સત્ય. સાહસ. સંકલ્પ.

નાના પાટેકરના નિધન પર તનુશ્રી દત્તાની પ્રતિક્રિયા: 'એવિલ મરી ગયો, હવે મારી જિંદગી પાટે ચડશે'

નાના પાટેકરના નિધન પર તનુશ્રી દત્તાની પ્રતિક્રિયા: 'એવિલ મરી ગયો, હવે મારી જિંદગી પાટે ચડશે'

બોલિવૂડના જાણીતા અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની ઉંમરે નિધન થયું. ગોવા સ્થિત તેમના ઘરમાં કાર્ડિયાક અરેસ્ટ આવ્યા બાદ તેમને લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવી, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. તેમના નિધનથી બોલિવૂડ, સાઉથ સિનેમા અને ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ દરમિયાન, નાના પાટેકર વિરુદ્ધ 2018માં જાતીય સતામણીનો આરોપ લગાવનાર એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ તેમને 'એવિલ' (બૂરાઈ) ગણાવીને તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તનુશ્રીએ સોશિયલ મીડિયા પર સ્ટોરી શેર કરીને લખ્યું, 'એવિલ મરી ગયો છે અને હવે મારું જીવન સારા દિવસો તરફ પાટે ચડી ગયું છે!'

તનુશ્રી દત્તા આટલેથી અટકી નહીં. તેણે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવીને નાનાને 'એવિલ' કહેતા થયેલી ટ્રોલિંગ પર પ્રશ્નો ઉઠાવ્યા. તેણે કહ્યું, 'દુનિયાનો એક્સપિરિયન્સ કોઈ વ્યક્તિ સાથે અલગ હોઈ શકે છે, પણ મારો એક્સપિરિયન્સ તો મને ખબર છે ને. હું તો ડાટેલા મડદાં ઉખાડવા પણ માગતી નહોતી. તેથી મેં રિએક્શન આપવાનું ટાળ્યું. પણ એનો અર્થ એ તો નથી ને જે મરી ગયો છે, તેણે જીવતેજીવતાં જે કાંડ કર્યાં છે, તે દૂર થઈ જાય છે?'

તેણે આગળ કહ્યું, 'તેણે જેટલા લોકોને હેરાન કર્યા છે, જેટલા લોકોને વિક્ટમાઇઝ કર્યા છે, તે ખાતું બંધ થઈ જાય છે? અને લોકો માફ કરવાની વાત કરી રહ્યા છે. અરે ભાઈ, ભગવાન પણ માફી માગ્યા વિના માફ નથી કરતા. ભગવાન સામે પણ ભૂલ સ્વીકારવી પડે છે, પશ્ચાતાપ કરવો પડે છે.'

તનુશ્રીએ મીટુ ચળવળ પછીની પોતાની હાલત વિશે કહ્યું, 'તમને ખબર છે, મીટુ મુવમેન્ટ પછી મારી કેવી ખરાબ હાલત થઈ છે? જે છોકરી કોઈપણ ડર વિના આખી દુનિયામાં હરતી-ફરતી હતી. જ્યારે હું મિસ ઇન્ડિયા બની, જ્યારે હું ટોપની એક્ટ્રેસ હતી, ત્યારે પણ મને સિક્યોરિટીની જરૂર પડી નથી. મીટુ પછી મારી સાથે એટલી ખરાબ ઘટનાઓ ઘટી છેને, તમને સજ્જનોને કહીશને તો ચહેરો શરમથી પાણી-પાણી થઈ જશે.'

તેણે વાત આગળ વધારતા કહ્યું, 'તો જ્યારે હું કહું છું કે, એવિલ ઇઝ ડેડ, તો હું તે માનું છું. આ મારી રિયાલિટી છે. મતલબ આ સાલો મરતાં મરતાં પણ મને હેરાન કરી ગયો. મને કોઈ ખુલાસા આપવાની જરૂર નથી. પણ આ જે નેગેટિવિટી ચાલી રહી છે ને, કેટલાક યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના વ્યુઝ અને લાઇક્સ વધારવા મારા નામનો ઉપયોગ કરી રહ્યા છે.'

તનુશ્રીએ વધુમાં કહ્યું, '2020 પછી મારા પર જીવલેણ હુમલા થયા છે. મારા જીવનનો એક-એક દિવસ મેં સ્ટ્રગલ કર્યું છે અને સફર કરી છે, માત્રને માત્ર આ માણસના લીધે. એ એકલો મને પરેશાન નહોતો કરી રહ્યો, ગ્રુપમાં મળીને હેરાન કરતો હતો. અને આ કેવો સજ્જન છે, અંડરવર્લ્ડ ડોન માન્યા સુર્વેનો કઝીન છે આ. નાના પાટેકર સાલો રાક્ષસની પૂંછડી. આજે રાક્ષસ મર્યો છે. મારા જીવનનો જે સૌથી મોટો અસૂર હતો ને, જેણે મારું જીવન હરામ કરી નાખ્યું હતું.'

તનુશ્રી દત્તાએ 2018માં MeToo ચળવળ હેઠળ નાના પાટેકર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એક્ટ્રેસના કહેવા પ્રમાણે, નાના પાટેકરે તેને 2009માં ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર હેરાન કરી હતી. તનુશ્રીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, 'નાના પાટેકર જબરદસ્તી મારી નજીક આવવા માંગતા હતા, તે શૂટિંગ દરમિયાન ગીતનો ભાગ નહતા, તેમ છતા મારી સાથે ઇન્ટીમેન્ટ થવાનો પ્રયાસ કર્યો હતો.' તેણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેણે આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે ફિલ્મમાં રાખી સાવંતને રિપ્લેસ કરવામાં આવી હતી.

તનુશ્રી 'દૃશ્યમ' ફિલ્મ ફેમ ઇશિતા દત્તાની સગી બહેન છે.

ઉલ્લેખનીય છે કે, તનુશ્રીએ મીટુ હેઠળ કરેલા કેસમાં નાના પાટેકરને મુંબઈની કોર્ટમાંથી રાહત મળી હતી. તેમની સામેનો જાતીય સતામણીનો કેસ બંધ કરી દેવામાં આવ્યો હતો. કોર્ટે તનુશ્રી દત્તાની અરજી ફગાવી દીધી હતી. અરજી ફગાવી દેતા કોર્ટે કહ્યું હતું કે, 'એક્ટર સામે જાતીય સતામણીના આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.'

તનુશ્રીએ આ પહેલા કહ્યું હતું કે નાનાની પીઆર ટીમ ખોટા સમાચાર ફેલાવી રહી છે.