સત્ય. સાહસ. સંકલ્પ.

ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપીને તન્મય બલોડાએ રચ્યો ઇતિહાસ, ભારતને 10 વિકેટથી જીત

ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપીને તન્મય બલોડાએ રચ્યો ઇતિહાસ, ભારતને 10 વિકેટથી જીત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બીજી બિનસત્તાવાર યુથ ટેસ્ટમાં ભારતીય અંડર-19 ટીમે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમને 10 વિકેટના અંતરથી હરાવી હતી. આ જીતમાં 19 વર્ષીય સ્પિનર તન્મય બલોડાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે મેચમાં કુલ 14 વિકેટ ઝડપીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગમાં 174 રનમાં ઓલઆઉટ થઈ હતી. તન્મયે 25 ઓવરમાં 11 મેઇડન ફેંકીને માત્ર 32 રન આપીને 6 વિકેટ લીધી હતી. ભારતે પ્રથમ ઇનિંગમાં 315 રન બનાવીને 141 રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા 151 રનમાં સમેટાઈ ગયું. તન્મયે 19.5 ઓવરમાં 41 રન આપીને 8 વિકેટ ઝડપી હતી. ભારતને જીત માટે 11 રનનો લક્ષ્યાંક મળ્યો, જે ટીમે પહેલી ઓવરમાં જ વિના નુકસાન હાંસલ કરી લીધો.

તન્મય બલોડા ડાબા હાથના સ્પિન ઓલરાઉન્ડર છે અને જમણા હાથે આક્રમક બેટિંગ કરે છે. તેનો જન્મ 9 ઓગસ્ટ, 2008ના રોજ હરિયાણાના પલવલ વિસ્તારમાં થયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા પણ તેનો રેકોર્ડ સારો રહ્યો છે. ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની 2 મેચમાં તેણે 10 વિકેટ લીધી છે અને 40 રન બનાવ્યા છે. જાન્યુઆરીમાં રણજી ટ્રોફીમાં આસામ સામે 6 વિકેટ અને 15 રન, તથા બંગાળ સામે 5 વિકેટ અને અણનમ 12 અને 13 રનની ઇનિંગ્સ રમી હતી.

શરૂઆતમાં તન્મયની ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝ માટે મુખ્ય ટીમમાં પસંદગી થઈ ન હતી. પરંતુ પસંદગી પામેલા રોહિત યાદવને ઉંમર સંબંધિત વિસંગતતાઓના કારણે ટીમમાંથી બહાર કરાતા તન્મયને રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કરાયો હતો. તક મળતાં જ તેણે શાનદાર પ્રદર્શન કરીને પસંદગીકારોના નિર્ણયને સાચો સાબિત કર્યો.

તન્મયની ક્રિકેટ સફર રસપ્રદ રહી છે. શરૂઆતમાં તે ફાસ્ટ બોલર હતો. હરિયાણા માટે અંડર-16 કક્ષાએ તેણે ફાસ્ટ બોલિંગથી શરૂઆત કરી હતી. એક ટુર્નામેન્ટ દરમિયાન તેણે સ્પિન બોલિંગ અજમાવી અને સફળતા મળતાં સ્પિન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 10મું ધોરણ પાસ કર્યા પછી તેણે ઔપચારિક અભ્યાસ છોડીને ક્રિકેટને કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો. તેના પરિવારે પણ તેને પૂરો ટેકો આપ્યો. આજે તેનું પ્રદર્શન દર્શાવે છે કે તે પોતાના નિર્ણય પર ખરો ઊતર્યો છે.