સત્ય. સાહસ. સંકલ્પ.

તમિલનાડુ સરકારે RTI છૂટ પાછી ખેંચી, વિપક્ષના વિરોધ પછી નિર્ણય રદ

તમિલનાડુ સરકારે RTI છૂટ પાછી ખેંચી, વિપક્ષના વિરોધ પછી નિર્ણય રદ

તમિલનાડુ સરકારે કાયદો અને વ્યવસ્થા વિભાગને માહિતી અધિકાર કાયદા (RTI એક્ટ 2005)માંથી મુક્તિ આપતો પોતાનો અગાઉનો આદેશ પાછો ખેંચી લીધો છે. વિપક્ષની આકરી ટીકા અને ભારે વિરોધ બાદ સરકારે આ નિર્ણય રદ કર્યો છે.

સરકારે અગાઉ દલીલ કરી હતી કે આ ગુપ્તચર અને સુરક્ષા સાથે જોડાયેલી એજન્સી છે, તેથી તેને છૂટ આપવી જરૂરી હતી. જોકે હવે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના 21 સપ્ટેમ્બર 2006ના સરકારી આદેશ (Ms.No 57) હેઠળ RTI એક્ટ 2005ની કલમ 24(4) મુજબ મળેલી છૂટ રદ કરવાની જાહેરાત સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે.

અગાઉના સરકારી આદેશ હેઠળ પબ્લિક લૉ એન્ડ ઓર્ડર વિભાગ સાથે સંકળાયેલા પોલીસ ફાયરિંગ, કસ્ટડીમાં મોત, પોલીસ દ્વારા થતો કથિત અત્યાચાર અને અન્ય સંવેદનશીલ કેસોના તપાસ અહેવાલોનો સમાવેશ થતો હતો. આ આદેશના કારણે સામાન્ય નાગરિકો આ પ્રકારના ગંભીર મામલાઓની માહિતી મેળવવાથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

સરકારના મંત્રી સીટીઆર નિર્મલ કુમારે આ અંગે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે લૉ એન્ડ ઓર્ડર હેઠળ 20 જેટલા સેક્શન આવેલા છે અને તેમાંથી માત્ર થોડાક સેક્શનને જ મુક્તિ આપવામાં આવી હતી જેથી સાંપ્રદાયિક વિવાદોની માહિતીનો દુરુપયોગ ન થાય. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે જો સામાન્ય જનતા આ વ્યવસ્થાથી અસંતુષ્ટ હશે તો નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવશે.

આ સરકારી આદેશ ગેઝેટમાં પ્રકાશિત થયા બાદ રાજકીય સ્તરે મોટો હોબાળો મચી ગયો હતો. સીપીએમના સાંસદ વેંકટેશને ગંભીર આક્ષેપ કર્યો હતો કે આ પગલું તમિલનાડુને પોલીસ રાજ્ય બનાવવાનો સ્પષ્ટ પ્રયાસ છે અને સરકારે તેને તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.

બીજી તરફ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે જણાવ્યું હતું કે RTI કાયદો લોકશાહીમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે અમલમાં મૂકાયો હતો. આ પ્રકારના નિર્ણયો યોગ્ય ઉદાહરણ બેસાડતા નથી, તેથી RTIનો વ્યાપ વિસ્તૃત થવો જોઈએ, સંકુચિત નહીં. ચારેય તરફથી વધતા દબાણને ધ્યાનમાં રાખીને સરકારે અંતે આ વિવાદાસ્પદ નિર્ણય પાછો ખેંચવાની ફરજ પડી છે.