તમિલનાડુના પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રી ડો. વી.કે. રાજીવે નદીઓમાં જોવા મળતા ફીણ માટે ઘરોમાંથી નીકળતા ગંદા પાણીમાં વપરાતા સાબુ અને શેમ્પૂને જવાબદાર ઠેરવતા રાજ્યમાં વિવાદ સર્જાયો છે. તેમણે દાવો કર્યો છે કે ફોસ્ફરસનું પ્રમાણ ધરાવતા આ ઉત્પાદનો નદીના પાણીમાં ભળતાં ફીણ ઉત્પન્ન થાય છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મંત્રી ડો. રાજીવ તિરુપુરની મુલાકાતે ગયા હતા અને તેમણે નદી પ્રદૂષણ માટે ઘરેલું ગંદા પાણીને મુખ્ય કારણ ગણાવ્યું હતું. વિરોધ વધતાં તેમણે ચેન્નાઈ સચિવાલય ખાતે સ્પષ્ટતા આપી હતી કે, “ઘરોમાં નહાવા અને કપડાં ધોવા માટે વપરાતા સાબુ અને શેમ્પૂમાં ફોસ્ફરસનું પ્રમાણ વધુ હોય છે. જ્યારે આ પાણી ઊંચાઈ પરથી નીચે પડે છે ત્યારે નદીઓમાં ફીણ બને છે.” તેમણે પોતાના મેડિકલ બેકગ્રાઉન્ડનો હવાલો આપતાં કહ્યું કે તાજેતરના જળ અભ્યાસમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે.
મંત્રીના આ નિવેદન પર વિપક્ષી નેતાઓએ સરકાર પર ઉદ્યોગોને બચાવવાનો આરોપ લગાવ્યો છે. AMMKના મહાસચિવ ટીટીવી દિનાકરને ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “નદીઓના ગંભીર પ્રદૂષણ માટે નાગરિકોના રોજિંદા વપરાશના સાબુને જવાબદાર ઠેરવવું તદ્દન હાસ્યાસ્પદ છે. આ પર્યાવરણ વિભાગની જવાબદારીમાંથી છટકબારી દર્શાવે છે. કચરા વ્યવસ્થાપનની ખામીઓને છુપાવીને ઔદ્યોગિક પ્રદૂષકોને બચાવવાનો પ્રયાસ પર્યાવરણને વધુ નુકસાન પહોંચાડશે.” તેમણે માગ કરી હતી કે સરકાર વિચિત્ર બહાના બનાવવાનું બંધ કરી ઔદ્યોગિક કચરા પર કડક નિયંત્રણ લાવે.
PMKના પ્રમુખ અંબુમણિ રામદાસે પણ મંત્રીના નિવેદન સામે તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે મંત્રીની દલીલો પર સવાલો ઉઠાવતાં નદી પ્રદૂષણ પ્રત્યે સરકારના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિપક્ષોએ એકસૂરે સરકારને ઘેરીને તમિલનાડુની મહત્ત્વપૂર્ણ નદીઓને બચાવવા માટે મજબૂત સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને કડક પગલાં ભરવાની માંગ કરી છે.