સત્ય. સાહસ. સંકલ્પ.

તમિલનાડુમાં ચોખા હવે રૂ. 30 કિલોમાં, બજારમાં ભાવ રૂ. 85

તમિલનાડુમાં ચોખા હવે રૂ. 30 કિલોમાં, બજારમાં ભાવ રૂ. 85

તમિલનાડુમાં મુખ્યમંત્રી વિજયની સરકારે મોંઘવારીથી પરેશાન લોકોને રાહત આપવાની જાહેરાત કરી છે. બજારમાં કિલોએ રૂ. 85માં વેચાતા ઉત્તમ ચોખા હવે રાજ્યભરના અમુધમ અને સહકારી સ્ટોર્સમાંથી માત્ર રૂ. 30 કિલોના ભાવે મળશે.

સરકારે 25,000 મેટ્રિક ટન ચોખા અને 500 મેટ્રિક ટન તુવેર દાળનું વિતરણ કરવાની જાહેરાત કરી છે. આ સ્ટોક આગામી સપ્તાહથી ઉપલબ્ધ થશે.

ગયા અઠવાડિયે સરકારે આવશ્યક ચીજવસ્તુઓના વધતા ભાવને નિયંત્રિત કરવા પગલાં જાહેર કર્યા હતા, જેમાં રૂ. 30 પ્રતિ કિલોના દરે ઉત્તમ ગુણવત્તાવાળા ચોખાનું વેચાણ સામેલ છે. આ ચોખા અમુધમ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ અને સહકારી સ્ટોર્સ દ્વારા વેચાશે.

ખુલ્લા બજારમાં ચોખાના ભાવ રૂ. 75થી 85 પ્રતિ કિલો થયા બાદ આ નિર્ણય લેવાયો છે. ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી પી. વેંકટારમને જણાવ્યું કે ભાવ વધારો અલ નીનોની કૃષિ પર અસર, પ્રાદેશિક પુરવઠાની અછત અને વૈશ્વિક આર્થિક પરિબળોને કારણે થયો છે.

પ્રથમ તબક્કામાં સરકાર 200 સહકારી સ્ટોર્સ અને 49 અમુધમ આઉટલેટ્સ દ્વારા રૂ. 30 પ્રતિ કિલોના ભાવે 25,000 મેટ્રિક ટન ઉત્તમ ગુણવત્તાવાળા કાચા અને બાફેલા ચોખાનું વિતરણ કરશે. અખબારી યાદી મુજબ ગ્રાહકો આ સપ્તાહના અંતથી જરૂરિયાત મુજબ 5 કિલો સુધી ખરીદી કરી શકશે.

સરકાર નાફેડ (નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા) પાસેથી 500 મેટ્રિક ટન તુવેર દાળનો પ્રારંભિક જથ્થો ખરીદી રહી છે. આ દાળ રાજ્યભરના 250 અમુધમ અને સહકારી આઉટલેટ્સ દ્વારા રૂ. 130 પ્રતિ કિલોના ભાવે વેચાશે.

સરકારે ચેતવણી આપી છે કે સંગ્રહખોરી અને કાળાબજાર કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં લગભગ 2.29 કરોડ પારિવારિક રાશન કાર્ડ દ્વારા અંદાજે 7.01 કરોડ લાભાર્થીઓ આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ મેળવે છે. સરકારે જણાવ્યું કે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા ચોખાનો પુરવઠો ચાલુ રહેશે અને આગામી ત્રણ મહિના માટે ખાંડ, પામ ઓઇલ અને કઠોળનો જથ્થો સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે.

તમિલનાડુના વેપારીઓ સામાન્ય રીતે આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાંથી જથ્થાબંધ ભાવે ઉત્તમ ચોખા ખરીદે છે. જોકે અલ નીનોને કારણે પાકનું ઉત્પાદન ઘટતાં પુરવઠો ઘટ્યો અને ખુલ્લા બજારમાં અછત સર્જાઈ, જેનાથી ભાવમાં તીવ્ર વધારો થયો.

ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગની પ્રાઇસ મોનિટરિંગ સેલ દર અઠવાડિયે 67 આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પર નજર રાખે છે અને ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા મંત્રીની અધ્યક્ષતામાં ત્રિમાસિક સમીક્ષા બેઠકો યોજે છે.

અગાઉ ખુલ્લા બજારમાં ભાવ રૂ. 65 સુધી પહોંચતા સરકારે રૂ. 35 પ્રતિ કિલોના ભાવે 2,500 મેટ્રિક ટનથી વધુ ડુંગળી વેચી હતી. સરકારે જણાવ્યું કે જરૂર પડશે ત્યારે આવા જ પગલાં લેવાશે.

અમુધમ અને સહકારી આઉટલેટ્સ પરના ભાવ ખુલ્લા બજાર કરતાં નીચા રાખવામાં આવ્યા છે. બાફેલા પોન્ની ચોખા રૂ. 60 પ્રતિ કિલો, તુવેર દાળ રૂ. 130, અડદ દાળ રૂ. 140, લસણ રૂ. 240, ધાણા રૂ. 240 અને મરચાં રૂ. 330 પ્રતિ કિલોના ભાવે વેચાશે. આ પગલાંનો હેતુ રાહત દરે ચોખા, કઠોળ અને ડુંગળીનો પુરવઠો વધારીને, ભાવ પર નજર રાખીને અને સંગ્રહખોરી સામે કાર્યવાહી કરીને પરિવારો પર ઊંચા ખાદ્ય ભાવોનું ભારણ હળવું કરવાનો છે.