તમિલનાડુ સરકારના મહિલા મંત્રી જગદીશ્વરીના એક વિવાદાસ્પદ નિવેદનથી રાજ્યના રાજકારણમાં ચર્ચા જાગી છે. વિરુધુનગર જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળાના કાર્યક્રમમાં પહોંચેલા મંત્રીએ વિદ્યાર્થીઓના હેરસ્ટાઇલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આવા વિદ્યાર્થીઓ ગુંડા જેવા દેખાય છે.
વિરુધુનગર જિલ્લા કલેક્ટર સરન્યા અરી અને સાથી મંત્રી વન્નિયારાસુની હાજરીમાં બોલતા મંત્રી જગદીશ્વરીએ વિદ્યાર્થીઓના લુક અને ફેશન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આજકાલના બાળકો એવા અજીબોગરીબ હેરસ્ટાઇલ રાખે છે કે તેઓ શાળાએ જતા વિદ્યાર્થી જેવા નહીં પણ ગુંડા-બદમાશ જેવા દેખાય છે. બાળકોનું વર્તન અને દેખાવ શિસ્તબદ્ધ હોવા જરૂરી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે જો કોઈ બાળક યોગ્ય અને મર્યાદિત હેરસ્ટાઇલ ન રાખે તો તેનું માથું સાવ મુંડાવી દેવું જોઈએ, જેથી ભવિષ્યમાં તેઓ યોગ્ય રીતે વાળ કપાવે. તેમણે આ વાત પોતાના બાળકોને સમજાવતા હોય તે રીતે કહી હોવાનો દાવો કર્યો હતો.
બાળકોમાં શિસ્તના અભાવ માટે મંત્રીએ માતા-પિતાને પણ જવાબદાર ઠેરવ્યા હતા. તેમના મતે ઘરમાંથી જ અનુશાસનહીનતાની શરૂઆત થાય છે, કારણ કે વાલીઓ જ બાળકોને નાની ઉંમરે અતિશય મોર્ડન ફેશન અને છૂટછાટ આપતા હોય છે.
આ નિવેદન પર વિવાદ વધતાં તમિલનાડુ સરકારના અન્ય મંત્રીઓએ જગદીશ્વરીનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે મંત્રીના નિવેદનમાં કોઈ દુર્ભાવના નથી, પરંતુ એક માતાનો પ્રેમ અને વિદ્યાર્થીઓમાં શિસ્ત લાવવાની સાચી ચિંતા છે. તેથી લોકોએ તેમના નિવેદનનો ખોટો અર્થ ન કાઢવો જોઈએ.