સત્ય. સાહસ. સંકલ્પ.

તમિલનાડુ વિધાનસભામાં CM વિજયના ઈશારા પર વિવાદ, DMK-ડાબેરીઓનો 'બોડી-શેમિંગ' આરોપ

તમિલનાડુ વિધાનસભામાં CM વિજયના ઈશારા પર વિવાદ, DMK-ડાબેરીઓનો 'બોડી-શેમિંગ' આરોપ

તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયના એક શારીરિક ઈશારાને લઈને રાજકીય વિવાદ ઊભો થયો છે. સોમવારે પોલીસ વિભાગની અનુદાન માંગ પર ચર્ચા દરમિયાન વિજયે ડીએમકે અને તેના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે જમણા હાથથી પોતાના જડબાને સ્પર્શીને ઉપર ઉઠાવવાનો ઈશારો કર્યો હતો.

ડીએમકે અને ડાબેરી પક્ષોના નેતાઓએ આ ઈશારાને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની શારીરિક સ્થિતિની મજાક ઉડાવવા સમાન ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કટોકટી (ઈમરજન્સી) દરમિયાન એમ.કે. સ્ટાલિનની એમ.આઈ.એસ.એ. (MISA) હેઠળ અટકાયત કરવામાં આવી હતી, જ્યાં કથિત મારપીટમાં તેમના જડબામાં ગંભીર ઈજા થઈ હતી.

સી.પી.આઈ.એમ.ના નેતા પી. શનમુગમે વિજય પર વ્યક્તિગત હુમલો કરવાનો અને સ્ટાલિનનું 'બોડી-શેમિંગ' કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, "લોકશાહી બચાવવા માટે લાઠી ખાનારા અને ઈજાગ્રસ્ત થનારા નેતાની મજાક ઉડાવવી એ નિંદનીય અને ગેરજવાબદાર વર્તન છે." વિરોધમાં ડીએમકે વિધાયકોએ ઉદયનિધિ સ્ટાલિનની આગેવાનીમાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

વિધાનસભામાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજયે ઈ.ડી.ના દસ્તાવેજો અને સરકારી કમિશનના અહેવાલોનો હવાલો આપીને એમ.કે. સ્ટાલિન અને ઉદયનિધિ પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના કોન્ટ્રાક્ટરો પાસેથી 'પાર્ટી ફંડ'ના નામે લાંચ વસૂલવામાં આવી રહી છે.

ડીએમકે નેતાઓએ મુખ્યમંત્રીના નિવેદનોને ગૃહના રેકોર્ડમાંથી હટાવવાની માંગ કરી હતી, પરંતુ સ્પીકર જે.સી.ડી. પ્રભાકરે આ માંગ ફગાવી દેતાં કહ્યું કે, એમ.આઈ.એસ.એ. અંગેનો ઉલ્લેખ ગૃહમાં અગાઉ પણ થઈ ચૂક્યો છે, તેથી આ ભાષણને રેકોર્ડમાંથી હટાવવાની જરૂર નથી.

વિવાદ વધતાં મંગળવારે મુખ્યમંત્રી વિજયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા જારી કરી હતી. તેમણે જણાવ્યું કે વિધાનસભામાં તેમની બોડી લેંગ્વેજ સહજ અને અનાયાસે થઈ હતી, તેનો હેતુ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહોતો. તેમણે આ ઈશારાને વ્યક્તિગત હુમલા તરીકે ન જોવા વિનંતી કરી છે.