સત્ય. સાહસ. સંકલ્પ.

તમિલનાડુ પેટાચૂંટણીમાં TVKને બંને બેઠકો પર વિજય, વિજયની પહેલી પરીક્ષા પાસ

તમિલનાડુ પેટાચૂંટણીમાં TVKને બંને બેઠકો પર વિજય, વિજયની પહેલી પરીક્ષા પાસ

તમિલનાડુમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની આગેવાની હેઠળની TVK પાર્ટીએ ધારાસપુરમ અને મધુરાંતકમ બંને વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી જીતી લીધી છે. મુખ્યમંત્રી બન્યા બાદ વિજય માટે આ પહેલી ચૂંટણી કસોટી હતી, જેમાં તેમની પાર્ટી સફળ થઈ છે.

શુક્રવારે EVMના મત ખુલ્યા ત્યારે ધારાસપુરમમાં શરૂઆતમાં TVK થોડી પાછળ હતી, પરંતુ પછી તેણે સરસાઈ મેળવી લીધી. બંને બેઠકો AIADMK પાસેથી છીનવતાં TVKના ધારાસભ્યોની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયા જંગમાં TVKને ફાયદો મળ્યો હતો.

તમિલનાડુ વિધાનસભામાં કુલ 234 બેઠકો છે અને બહુમતી માટે 118 બેઠકોની જરૂર પડે છે. હાલ સત્તાધારી પક્ષ તરફ TVKના 109, કોંગ્રેસના 5, VCKના 2 અને IUMLના 2 એમ કુલ 118 ધારાસભ્યો છે. બહારથી ડાબેરી મોરચો — CPIM (2), CPI (2) અને એક અપક્ષ — સમર્થન આપે છે. વિપક્ષમાં DMKના 59, AIADMKના 41, PMKના 4, DMDKના 1 અને BJPના 1 ધારાસભ્ય છે. હજુ પાંચ બેઠકો ખાલી છે. (નોંધ: કુલ સાત બેઠકો ખાલી હતી, જેમાંથી બે પર પેટાચૂંટણી યોજાઈ.)

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે હવે બાકીની પાંચ ખાલી બેઠકોની ચૂંટણીમાં TVK માનસિક રીતે વધુ મજબૂત બનીને ઉતરશે. જો તે બધી બેઠકો પર જીત મળશે તો TVKના ધારાસભ્યોની સંખ્યા 114 સુધી પહોંચી જશે અને સહયોગી પક્ષો પરની નિર્ભરતા ઘટશે, ખાસ કરીને ડાબેરી પક્ષો પર, જે સરકારમાં સામેલ નથી.

બીજી તરફ, વિપક્ષી દ્રવિડ પાર્ટીઓએ વિજયને ઘેરવા માટે નવા મુદ્દા શોધવા પડશે. રાજકીય વિશ્લેષકોના મતે, બંને બેઠકો પરની TVKની જીત બાદ AIADMKમાં પૂર્વ મુખ્યમંત્રી એડપ્પાદી પલાનીસ્વામી સામે પડકારો વધશે અને પાર્ટીમાં વિરોધના સૂર ફરી ઉઠી શકે છે.

આ ચૂંટણીનું એક મહત્વનું પાસું પટ્ટાળી મક્કલ કાચ્ચી (PMK)નું વલણ છે. ડો. અંબુમણિ રામદાસના નેતૃત્વ હેઠળની PMK હાલ AIADMK અને ભાજપના NDA સાથે છે. ઓક્ટોબર 2026માં પાર્ટીના ધારાસભ્ય સૌમ્યા અંબુમણિએ સ્પષ્ટ કર્યું હતું કે PMK NDA ગઠબંધનનો હિસ્સો છે, પરંતુ પાર્ટીએ મધુરાંતકમ અને ધારાસપુરમની પેટાચૂંટણીમાં તટસ્થ રહીને કોઈ પણ પક્ષને સમર્થન ન આપવાનો નિર્ણય કર્યો હતો. હવે એવી શક્યતા વધી છે કે PMK ભવિષ્યમાં TVK તરફ જવાનો નિર્ણય કરે. એવું થશે તો NDAને ઝટકો લાગશે અને વિજયની સરકાર વધુ મજબૂત બનશે.