તમિલનાડુ સરકારે વિમાની ઇંધણ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ - ATF) પર વેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે ચેન્નાઈ ઍરપોર્ટ પર વેટનો દર 29%થી ઘટાડીને 16% કર્યો છે, જ્યારે રાજ્યના અન્ય તમામ ઍરપોર્ટ પર તેને ઘટાડીને માત્ર 1% કરી દીધો છે. આ પગલાથી એરલાઇન્સ કંપનીઓને મોટી આર્થિક રાહત મળશે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ મુખ્યમંત્રી થલપતિ વિજયના આ પગલાની પ્રશંસા કરતાં જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો આ પ્રકારનો સહયોગ હવાઈ મુસાફરીને સામાન્ય લોકો માટે વધુ સસ્તી બનાવવામાં મદદરૂપ બનશે.
તમિલનાડુના ઉદ્યોગ મંત્રી વિરુધઈ મગલ કીર્તનાએ જણાવ્યું કે, આ નિર્ણયથી એરલાઇન્સ કંપનીઓનો સંચાલન ખર્ચ ઘટશે. ખર્ચ ઓછો થવાથી કંપનીઓ નવા રૂટ્સ શરૂ કરી શકશે, ફ્લાઇટ્સની સંખ્યા વધારશે અને ચેન્નાઈ સિવાયના નાના શહેરોમાં પણ કનેક્ટિવિટી વધશે. આ નીતિ રાજ્યમાં પ્રવાસન, આર્થિક પ્રવૃત્તિઓ અને પ્રાદેશિક વિકાસને નવી ગતિ આપશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. કોઈપણ એરલાઇનના કુલ સંચાલન ખર્ચમાં સામાન્ય રીતે ઇંધણનો હિસ્સો 30-40% હોય છે, જે વધીને હાલ 55-60% સુધી પહોંચી ગયો છે. આ ઉપરાંત ભારતીય રૂપિયામાં ઘટાડો અને કેટલાક એરસ્પેસ બંધ થવાને લીધે લાંબા રૂટ્સ પર ફ્લાઇંગ કોસ્ટ ઘણી વધી ગઈ છે. ભારતીય એરલાઇન્સ ફેડરેશને પણ ઊંચા ખર્ચને કારણે ફ્લાઇટ્સ ઘટાડવાની ચેતવણી આપી હતી. આવી સ્થિતિમાં વેટમાં કરાયેલો આ ઘટાડો એરલાઇન્સનો બોજ હળવો કરશે અને હવાઈ ભાડાં અંકુશમાં રાખવામાં પણ મદદ કરશે.