નવરાત્રિના પવિત્ર પર્વમાં અભિનેત્રી તમન્ના ભાટિયાએ માતાની ચૌકીમાં ભાગ લીધો હતો. પોતાની એક મિત્રના ઘરે આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં તેની સાથે અભિનેત્રી મૃણાલ ઠાકુર પણ ઉપસ્થિત રહી હતી. બંને અભિનેત્રીઓએ ભજનો ગાયા અને આરતીમાં સામેલ થઈને માતા રાણીની ભક્તિમાં લીન થઈ ગઈ હતી.
તમન્નાએ સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. આ વીડિયોમાં તે મૃણાલ ઠાકુર સાથે બેસીને દેવી માતાના ભજનો ગાતી અને આરતી કરતી જોવા મળી રહી છે. તમન્નાએ આ ધાર્મિક અનુષ્ઠાનમાં સામેલ થવાની તક માટે આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાની આધ્યાત્મિક યાત્રા વિશે વાત કરી હતી.
કાર્યક્રમના અનુભવ વિશે તમન્નાએ લખ્યું કે, 'ભજનોની ગુંજ અને માતા રાણીની કથાઓએ મને એવો અહેસાસ કરાવ્યો કે હું વૈષ્ણો દેવીની યાત્રા કરી રહી છું.' તેમણે વધુમાં જણાવ્યું કે, 'રૂમમાં ગુંજતા સંગીત અને ભક્તિભર્યા વાતાવરણ વચ્ચે વ્યક્તિ અંદરથી શાંત થઈ જાય છે. સંગીત, પ્રાર્થના અને સમર્પણના એ 5 કલાક મને એક જ ક્ષણ જેવા લાગ્યા.'
તમન્ના ભાટિયા છેલ્લા કેટલાક સમયથી તેમની આધ્યાત્મિક યાત્રાને લઈને ચર્ચામાં રહી છે. ભારતીય પૌરાણિક કથાઓ પર આધારિત ફેન્ટસી ડ્રામા ફિલ્મ 'ધ વન'ના શૂટિંગ બાદથી તેમનો ઝુકાવ ધાર્મિક પરંપરાઓ તરફ વધ્યો છે.
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તમન્નાએ જણાવ્યું હતું કે, 'છઠી મૈયા' ગીતના શૂટિંગ દરમિયાન તે ભાવુક થઈ ગઈ હતી. તેમણે કહ્યું, 'જ્યારે મેં પહેલી વાર વિશાલ મિશ્રાના અવાજમાં આ ગીત સાંભળ્યું, ત્યારે લાગ્યું કે આ દરેક ભક્તની આંતરિક લાગણી છે.'
તમન્નાએ આગળ કહ્યું, 'શૂટિંગ દરમિયાન જ્યારે હું સૂર્યદેવને અર્ઘ્ય આપવાની વિધિ કરી રહી હતી, ત્યારે મને એક મોટી વાત સમજાઈ- જેનો અસ્ત થાય છે, તેનો ઉદય પણ નિશ્ચિત છે.' તેમણે ઉમેર્યું, 'આપણે જીવનમાં ઘણી વાર ઉતાર-ચઢાવ જોઈને નિરાશ થઈ જઈએ છીએ, પરંતુ છઠ મહાપર્વ આપણને શીખવે છે કે ડૂબતા સૂરજ પછી ઉગતો સૂરજ ચોક્કસ આવે છે. આ ગીતે મને કૃતજ્ઞતાની ઊંડી લાગણીનો અનુભવ કરાવ્યો.'
વાતચીત દરમિયાન તમન્નાએ કહ્યું કે, 'લગભગ ચાર વર્ષ પહેલાં જ્યારે હું મારા ગુરુને મળી, ત્યારે મારી સાચી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ. મને લાગે છે કે જો આ ફિલ્મ મને ચાર વર્ષ પહેલાં ઓફર થઈ હોત, તો કદાચ હું તેને એ રીતે ન કરી શકી હોત. કારણ કે ભક્તિ એક એવો ભાવ છે, જેમાં તમે કોઈ બનાવટ કે ખોટી એક્ટિંગ કરી શકતા નથી. જો તમારા અંતરમાં એ ભાવ સાચો ન હોય, તો દર્શકો તરત જ પકડી લે છે. પટનામાં એક વિદ્યાર્થીએ મને કહ્યું હતું કે તમે આ ગીત એટલા માટે કરી શક્યાં, કારણ કે ઉપરવાળાએ તમને આ માટે પસંદ કર્યા છે.'