મુંબઈની એક સ્કૂલ ગર્લ, જેણે 13-14 વર્ષની ઉંમરમાં ફિલ્મ સાઇન કરી લીધી હતી. તેણે કદાચ એ પણ નહોતું વિચાર્યું હશે કે કેમેરા સામે ઊભા રહેવાનો આ નિર્ણય એક દિવસ તેને ભારતીય સિનેમાની સૌથી લાંબા સમય સુધી ટકી રહેનારી અભિનેત્રીઓમાં સામેલ કરી દેશે.
તમન્ના ભાટિયાનો જન્મ 21 ડિસેમ્બર 1989માં મુંબઈમાં થયો હતો. તેમનો પરિવાર સિંધી મૂળનો પંજાબી છે. પિતા સંતોષ ભાટિયા ડાયમંડના વ્યાપારી છે. તમન્નાનો ઉછેર અને ભણતર મુંબઈમાં જ થયું. તે 13 વર્ષની ઉંમરથી પૃથ્વી થિયેટર સાથે જોડાઈ ગઈ હતી અને સ્ટેજ પર પણ કામ કરતી હતી.
2005માં તેમણે હિન્દી ફિલ્મ 'ચાંદ સા રોશન ચેહરા'થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. ફિલ્મ સાઇન કરતી વખતે તેમની ઉંમર આશરે 13.5 વર્ષ હતી. પ્રમોશન દરમિયાન તે 15 વર્ષની હતી અને દસમા ધોરણની પરીક્ષાની તૈયારી કરી રહી હતી. પણ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ.
પહેલી જ ફિલ્મ ન ચાલી, ત્યારે કામ મેળવવું મુશ્કેલ બન્યું. એટલે તેમણે સાઉથ સિનેમા તરફ વળવાનું નક્કી કર્યું. 2005માં તેલુગુ ફિલ્મ 'શ્રી'થી સાઉથમાં પ્રવેશ કર્યો અને 2006માં તમિલ ફિલ્મ 'કેડી'માં જોવા મળ્યા.
સાઉથમાં સંઘર્ષ સહેલો નહોતો. ભાષા નવી, સંસ્કૃતિ નવી, નિર્દેશકો નવા. તમન્નાએ પછી જણાવ્યું હતું કે તેમને સાઉથ સિનેમા વિશે ઝાઝી જાણકારી નહોતી. તેમનું ધ્યાન સફળતાની ગણતરી પર નહીં, પણ કામ કરતા રહેવા અને શીખતા રહેવા પર હતું. તેમને નવી ભાષાઓ શીખવી પડી અને એવા માહોલમાં પોતાને સાબિત કરવું પડ્યું જ્યાં તે બહારથી આવેલી કલાકાર હતી. પાછળથી તેમણે તમિલ અને તેલુગુ બંનેમાં કામ કર્યું.
શરૂઆતના દિવસોમાં એક ડિરેક્ટર-પ્રોડ્યુસરે તેમને કહ્યું હતું કે તું એક્ટ કે ડાન્સ છોકરાઓની જેમ કરે છે, તારા અભિનયમાં છોકરીઓ જેવી લચક લાવ. તમન્નાએ કહ્યું હતું કે તે ત્યારે પણ છોકરીઓની જેમ જ ચાલતી હતી, પણ એ કહ્યા પછી તેમણે વધુ મહેનત કરી.
પણ સૌથી મોટો ઝટકો સેટ પર મળ્યો. 'ધ લલ્લનટોપ'ના 'ન્યૂઝરૂમ'માં તેમણે કહ્યું હતું કે તેઓ સાઉથના એક મોટા સ્ટાર સાથે ફિલ્મ કરી રહ્યા હતા. એક સીન કરવામાં તે અસહજ હતી. તેમણે સાફ કહી દીધું કે એ સીન તે નથી કરવા માંગતી. સીન ઇન્ટિમેટ નહોતો, પણ તેમાં કંઈક એવું હતું જે તેને અઘરું લાગતું હતું. તેમણે પોતાની વાત રાખી, તો સામેથી જવાબ મળ્યો- 'હીરોઈન બદલી દો.' એટલે તેમને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
પણ તમન્ના પાછળ હટ્યા નહીં. તેમણે ન તો પોતાની મર્યાદાઓ સાથે સમજૂતી કરી, ન તો એ ઘટનાને પોતાના આત્મવિશ્વાસ પર હાવી થવા દીધી. 'હેપ્પી ડેઝ' અને 'કલ્લૂરી'થી ઓળખ મળી. 'અયાન' અને '100 પર્સેન્ટ લવ'એ તેમને મજબૂત અભિનેત્રી તરીકે સ્થાપિત કર્યા. 2015ની 'બાહુબલી: ધ બિગિનિંગ'એ તેમને દેશભરના દર્શકો સુધી પહોંચાડ્યા. 'બાહુબલી' બાદ લોકો તેમને 'મિલ્કી બ્યૂટી' કહેવા લાગ્યા.
બે દાયકાથી વધુના કરિયર પછી આજે તમન્ના સફળતાને કોઈ એક એવોર્ડ કે બ્લોકબસ્ટર સાથે નહીં, પણ સતત કામ મળવા અને વારંવાર નવા પાત્રો ભજવવાની તક સાથે જોડે છે.
તમન્નાએ કહ્યું હતું કે દરેક ઉતાર પછી તેમને નવી ઉડાન મળી. સૌથી અઘરું હતું ટકી રહેવું.