ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું તલગાજરડા ગામ, જે રામકથા કાર મોરારીબાપુના ગામ તરીકે ઓળખાય છે, તે છેલ્લા 20 થી 25 વર્ષથી બિસમાર રસ્તાઓ અને ગંદા પાણીની સમસ્યાથી પરેશાન છે. ગામના મુખ્ય માર્ગો પર ખાડા છે અને તેમાં દૂષિત પાણી ભરાયેલું રહે છે, જેના કારણે લોકોને પગપાળા ચાલવામાં પણ તકલીફ પડે છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, રસ્તા બનાવવા માટે વર્ષોથી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. ખાસ કરીને નાના બાળકોને આ દૂષિત પાણીમાંથી પસાર થવું પડે છે, જેથી રોગચાળાની ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગામની સમસ્યાઓ અંગે તાલુકા વિકાસ અધિકારી, ગ્રામ પંચાયત અને ઉપલા અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે. જોકે, સમસ્યાનું કાયમી નિરાકરણ ન આવતાં ગ્રામજનોમાં રોષ છે. આ મામલે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે મોટા વાહનોની અવરજવરથી સમસ્યા સર્જાય છે અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
તલગાજરડા ગામમાં મોરારીબાપુનો આશ્રમ આવેલો છે, જ્યાં દેશભરમાંથી ભાવિકો દર્શન માટે આવે છે. પરંતુ ખરાબ રસ્તા અને પાણી ભરાવાની સમસ્યાને કારણે મુલાકાતીઓને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. એક તરફ ગામ આધ્યાત્મિક ઓળખ ધરાવે છે, તો બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ માટે ગ્રામજનોએ રજૂઆતો કરવી પડે છે.