સત્ય. સાહસ. સંકલ્પ.

AI ચિપની માંગથી તાઈવાન વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું

AI ચિપની માંગથી તાઈવાન વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું

તાઈપેઈ: વિશ્વભરમાં એઆઈ (કૃત્રિમ બુદ્ધિ)ની વધતી જતી માંગ હવે માત્ર ટેકનોલોજી કંપનીઓની આવક પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ દેશોના અર્થતંત્રને પણ નવી ગતિ આપી રહી છે. તેનું સૌથી મોટું ઉદાહરણ તાઈવાન છે.

એઆઈ માટે જરૂરી આધુનિક સેમિકન્ડક્ટર ચિપની વધતી માંગને કારણે તાઈવાન ૨૦૨૬માં વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બન્યું છે. તાઈવાને જુલાઈથી સપ્ટેમ્બર ૨૦૨૬ના ત્રિમાસિક ગાળામાં ૧૪.૩૬ ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

તાઈવાનની જીડીપીમાં વર્ષ ૨૦૨૫માં ૮.૭૬ ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ, ૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૧૫.૪૩ ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં ૧૨.૯૩ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. ૨૦૨૬ના પહેલા નવ મહિનામાં અર્થતંત્રનો વિકાસદર ૧૪.૨૨ ટકા રહ્યો છે. તાઈવાનના આંકડા દર્શાવે છે કે એઆઈ ક્ષેત્રમાં થઈ રહેલું જંગી રોકાણ દેશની આર્થિક પ્રગતિનું મુખ્ય કારણ રહ્યું છે.

દેશના વિકાસમાં તાઈવાનની સેમિકન્ડક્ટર ઉત્પાદન કંપની TSMC (તાઈવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની)ની મહત્ત્વની ભૂમિકા છે. TSMC વિશ્વની સૌથી મોટી કોન્ટ્રાક્ટ સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદક કંપની છે. એનવીડિયા જેવી અગ્રણી ટેકનોલોજી કંપનીઓને એઆઈ માટે જરૂરી અદ્યતન ચિપનો પુરવઠો કરવામાં TSMC મહત્ત્વનું સ્થાન ધરાવે છે. તાઈવાનની જીડીપીમાં TSMCનું યોગદાન ૮.૯ ટકા હતું. ૨૦૨૬માં કંપનીની ચોખ્ખી આવક ૧૭૫ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં ૪૩ ટકા વધુ છે.