સીરિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક 40% જેટલો મોટો વધારો થતાં લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શનિવારે સરકારે ડીઝલની કિંમત 175 સીરિયાઈ પાઉન્ડ પ્રતિ લીટર (આશરે ₹127) કરી દીધી છે, જે 40%નો વધારો દર્શાવે છે. દેશની લગભગ 90% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે, ત્યારે આ ભાવવધારો ભારે પડ્યો છે.
સરકારે અન્ય ઇંધણના ભાવ પણ વધાર્યા છે. ઘરગથ્થુ અને ઔદ્યોગિક ગેસમાં 9% વધારો થયો છે. 95 ઓક્ટેન પેટ્રોલ 28% વધીને 195 પાઉન્ડ પ્રતિ લીટર અને 90 ઓક્ટેન પેટ્રોલ 26% વધીને 185 પાઉન્ડ પ્રતિ લીટર થયું છે. ફેબ્રુઆરીની સરખામણીએ 95 ઓક્ટેન પેટ્રોલ 86% અને ડીઝલ બમણાથી પણ વધુ મોંઘું થઈ ચૂક્યું છે.
ભાવવધારા સામે લોકોએ રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ કર્યો. પ્રદર્શનકારીઓએ ટાયર સળગાવ્યા અને રાજધાની દમાસ્કસને ઔદ્યોગિક શહેર અલેપ્પો સાથે જોડતા મુખ્ય હાઈવે સહિતના રસ્તા બ્લોક કરી દીધા. જનજીવન ઠપ થઈ ગયું છે.
સીરિયાના ઊર્જા મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશ આયાત પર ખૂબ નિર્ભર છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદી મોંઘી થવાથી આ નિર્ણય લેવો પડ્યો છે. સીરિયા દરરોજ રશિયા પાસેથી 60,000 બેરલ ક્રૂડ ઓઈલ આયાત કરતું હતું, પરંતુ યુક્રેન હુમલા બાદ રશિયાએ નિકાસ પર નિયંત્રણો મૂક્યા છે. વધુમાં, દેશની સૌથી મોટી 'બનિયાસ રિફાઇનરી' ત્રણ મહિનાથી સમારકામ માટે બંધ હોવાથી ઇંધણની તંગી વધી છે.
વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવમાં વધારો થયો છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલના દરમાં અત્યાર સુધી માત્ર 8% વધારો થયો છે, જ્યારે નાઈજીરિયામાં ડીઝલ 92.3%, યુએઈમાં 70.6%, મ્યાનમારમાં 71.9% અને ઈન્ડોનેશિયામાં 87% મોંઘું થયું છે.