સત્ય. સાહસ. સંકલ્પ.

સ્વિટ્ઝર્લેન્ડમાં ગ્લેશિયર પર ઊનની ચાદરનો પ્રયોગ સફળ, બરફ 70% ઓછો પીગળ્યો

સ્વિટ્ઝર્લેન્ડમાં ગ્લેશિયર પર ઊનની ચાદરનો પ્રયોગ સફળ, બરફ 70% ઓછો પીગળ્યો

જીનીવા: ક્લાઈમેટ ચેન્જને કારણે વિશ્વભરમાં ગ્લેશિયર પીગળવાનું જોખમ વધ્યું છે. સદીઓથી ન પીગળેલો બરફ છેલ્લા દશકામાં ઝડપથી પીગળવા લાગ્યો છે. તેને બચાવવા માટે વૈજ્ઞાનિકો નવા-નવા પ્રયોગો કરી રહ્યા છે. આ ક્રમમાં સ્વિટ્ઝર્લેન્ડમાં એક અનોખો પ્રયોગ હાથ ધરાયો છે, જેમાં ગ્લેશિયરને ઊનની ચાદરથી ઢાંકવામાં આવ્યા છે.

સ્વિટ્ઝર્લેન્ડના લેસ ડાયબ્લેરેટ્સમાં આવેલા ત્સાનફ્લેઉરોન ગ્લેશિયરના 200 સ્કવેર મીટર વિસ્તારને ઘેટાના ઊનની ચાદરથી ઢાંકવામાં આવ્યો હતો. આખા ઉનાળા દરમિયાન આ ગ્લેશિયરને ઊનથી ઢાંક્યા બાદ દર બે સપ્તાહે તેનું નિરીક્ષણ કરાયું હતું. આખરે સીઝનના અંતે જાણવા મળ્યું કે ગ્લેશિયર 50 થી 70 ટકા ઓછું પીગળ્યું હતું. આ પ્રયોગથી સાબિત થયું કે ઊનની ચાદર ગ્લેશિયરને પીગળતા અટકાવવામાં અસરકારક છે.

આ પ્રોજેક્ટની શરૂઆત સ્વિટ્ઝર્લેન્ડમાં માસ્ટર્સ કરતા ચાર વિદ્યાર્થીઓની ટીમે કરી હતી. તેમણે ઘેટાના ઊનની ચાદર ગ્લેશિયર પર ઢાંકવાનો વિચાર રજૂ કર્યો. બાદમાં લોજેન યુનિવર્સિટી, સ્વિસ ગ્લેશિયર મોનિટરિંગ નેટવર્ક અને પર્યાવરણ સંસ્થાઓ આ પહેલમાં જોડાઈ. વૈજ્ઞાનિકો સાથે મળીને શરૂઆતમાં 100 સ્કવેર મીટર વિસ્તારમાં બે મોટી ઊનની ચાદર બિછાવવામાં આવી હતી. ત્યારબાદ તેને વધારીને 200 સ્કવેર મીટર કરાઈ.

પ્રોજેક્ટ મેનેજર ટિમોથી સ્ટીનરે જણાવ્યું કે દુનિયાભરમાં 40 થી 70 ટકા ઊન વેસ્ટ થાય છે. જો આ ઊનનો ઉપયોગ ગ્લેશિયરને ઢાંકવા માટે કરવામાં આવે તો બરફ પીગળતો અટકાવી શકાય છે. સિન્થેટિક કે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકની ચાદરથી પણ આટલું જ પરિણામ મળે છે, પરંતુ તેનાથી ગ્લેશિયરને નુકસાન થઈ શકે છે. જ્યારે ઊનની ચાદરથી ગ્લેશિયર પીગળતું અટકે છે અને પર્યાવરણને પણ નુકસાન થતું નથી.

જોકે, આ પ્રયોગ સ્વિટ્ઝર્લેન્ડના કુલ ગ્લેશિયર વિસ્તારના માત્ર 0.02 ટકા ભાગમાં જ થયો છે, જે ખૂબ નાનો હિસ્સો છે. સંશોધકો હવે વધુ વિસ્તારને આવરી લેવા પ્રયાસ કરી રહ્યા છે. સ્ટીનરે સ્પષ્ટ કર્યું કે ગ્લેશિયરને પીગળતા અટકાવવાનો આ કાયમી ઉકેલ નથી. સદીઓથી ન પીગળેલો બરફ પીગળતો અટકે તે માટે ટકાઉ ઉપાય શોધવો જરૂરી છે.