દિલ્હીમાં રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2025-26ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વિવિધ કેટેગરીમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરા શહેરોએ પ્રદર્શન કર્યું છે.
સ્વચ્છ શહેર જોડી કેટેગરીમાં અમદાવાદ અને સાણંદને દેશના સૌથી સ્વચ્છ શહેરો તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે. આ કેટેગરીમાં મેન્ટર શહેર તરીકે અમદાવાદ અને મેન્ટી શહેર તરીકે સાણંદનો સમાવેશ થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુજરાતના અન્ય શહેરો જેવા કે સાણંદ, રાણાવાવ, વાંકાનેર, સલાયા અને મુંદ્રા બારોઈ માટે 'માર્ગદર્શક શહેર' (મેન્ટર સિટી) તરીકેની ભૂમિકા ભજવી હતી. આ અંતર્ગત તેમણે કચરાનું વર્ગીકરણ, વપરાયેલા પાણીનું વ્યવસ્થાપન અને સ્વચ્છતા કર્મચારીઓના કલ્યાણ જેવા વિષયો પર આ શહેરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેના પરિણામે આજે અમદાવાદ અને સાણંદને સ્વચ્છ શહેરોની જોડીમાં દેશમાં પ્રથમ સ્થાન મળ્યું છે.
નેશનલ ક્લિન સિટી કેટેગરીમાં સુરત શહેરને બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. પ્રથમ સ્થાને નવી મુંબઈ રહી છે. કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ, મેયર માયાબેન માવાણી અને કમિશનરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી એવોર્ડ સ્વીકાર્યો હતો.
ગુજરાતના સૌથી સ્વચ્છ શહેર તરીકે વડોદરાને એવોર્ડ મળ્યો હતો. રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ અને વડોદરાના મેયર ગીતાબેન મકવાણા તેમજ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ સ્વીકાર્યો હતો.