સત્ય. સાહસ. સંકલ્પ.

સ્વચ્છ ભારત મિશનની ડેડલાઇન લંબાઈ: દેશમાં હજુ 1,139 લાખ ટન કચરો પડ્યો

સ્વચ્છ ભારત મિશનની ડેડલાઇન લંબાઈ: દેશમાં હજુ 1,139 લાખ ટન કચરો પડ્યો

કેન્દ્ર સરકારે દેશભરના શહેરોમાંથી કચરાના ડુંગરા દૂર કરવાના સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0ના લક્ષ્યાંકમાં ફરી એક વાર વિલંબ કર્યો છે. અગાઉ ઓક્ટોબર 2026ની સમયમર્યાદા હવે ડિસેમ્બર 2027 સુધી લંબાવવામાં આવી છે. સ્વચ્છ ભારત મિશનના ડેશબોર્ડના આંકડા અનુસાર, દેશમાં હજુ પણ 1,139 લાખ ટન જૂનો કચરો 4,632 એકર વિસ્તારમાં પડ્યો છે.

દેશમાં કુલ 2,607 જૂની ડમ્પસાઇટ્સ (કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ) છે. તેમાંથી અત્યાર સુધીમાં 1,402 સ્થળોએ કચરો દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. 1,057 સ્થળોએ કામગીરી હજુ ચાલુ છે, જ્યારે 148 સાઇટ્સ પર કોઈ પ્રગતિ નોંધાઈ નથી.

દેશભરમાં જૂની ડમ્પસાઇટ્સ પર કુલ 3,135 લાખ ટન કચરો 15,545.05 એકર વિસ્તારમાં ફેલાયેલો હતો. તેમાંથી અત્યાર સુધીમાં 64 ટકા કચરાનું નિકાલ કરવામાં આવ્યું છે અને 70 ટકા જમીન ફરી ઉપયોગ માટે મુક્ત કરવામાં આવી છે. છતાં, હજુ પણ 1,139 લાખ ટન કચરો 4,632 એકર વિસ્તારમાં પડ્યો છે, જે સરકાર માટે મોટો પડકાર છે.

સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0ની શરૂઆત 2021માં કરવામાં આવી હતી. આ મિશનનો સમયગાળો 1 ઓક્ટોબર 2026 સુધીનો હતો. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે પાંચ વર્ષના સમયગાળામાં દેશનાં તમામ શહેરોમાં જૂના કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ દૂર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે, કામગીરી અધૂરી રહેતાં મિશનનો સમયગાળો માર્ચ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બાકી રહેલી મોટાભાગની જૂની ડમ્પસાઇટ્સ માર્ચ 2027 સુધીમાં સાફ થઈ જશે, પરંતુ કેટલીક જગ્યાએ કામગીરી પૂર્ણ કરવામાં વધુ સમય લાગશે. આથી તમામ જૂના લેન્ડફિલ્સ દૂર કરવાની નવી સમયમર્યાદા ડિસેમ્બર 2027 નક્કી કરવામાં આવી છે.

આમ, દેશનાં શહેરોમાં વર્ષોથી એકઠા થયેલા કચરાના ડુંગરા દૂર કરવાના કેન્દ્ર સરકારના લક્ષ્યાંક માટે હવે વધુ એક વર્ષથી વધુ સમય લાગશે.