સત્ય. સાહસ. સંકલ્પ.

સુઝલોનના શેરમાં 5%થી વધુ ઉછાળો, બ્રોકરેજનો ₹65 ટાર્ગેટ: 73% તેજીની શક્યતા

સુઝલોનના શેરમાં 5%થી વધુ ઉછાળો, બ્રોકરેજનો ₹65 ટાર્ગેટ: 73% તેજીની શક્યતા

સુઝલોન એનર્જીના શેરમાં સોમવાર, 12 ઓક્ટોબરે 5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો અને શેર ₹39.57 પર બંધ થયો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં શેરમાં 25થી 28 ટકાનો ઘટાડો થયો હતો, પણ હવે બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે શેરમાં 73 ટકા સુધીની તેજીની ધારણા વ્યક્ત કરી છે.

મોતીલાલ ઓસવાલે 12 ઓક્ટોબરે જાહેર કરેલી એનાલિસિસ નોટમાં કંપનીના શેર પર 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે અને ₹65નો ટાર્ગેટ આપ્યો છે. કંપનીને કવર કરતા 12 વિશ્લેષકોમાંથી 10એ આ શેર ખરીદવાની સલાહ આપી છે. શેર હાલમાં તેના 52 સપ્તાહના નીચલા સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યો છે અને છેલ્લા ત્રણ મહિનામાં તેમાં 31 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડા છતાં આગળ કંપનીની કમાણી વધવાની ધારણા છે, જેની પાછળ બ્રોકરેજે પાંચ મુખ્ય કારણો દર્શાવ્યાં છે.

1. આકર્ષક વેલ્યુએશન: મોતીલાલ ઓસવાલના મતે ભાવ ઘટ્યા પછી શેરનું વેલ્યુએશન આકર્ષક બન્યું છે. કંપનીનો શેર નાણાકીય વર્ષ 2028ની અંદાજિત કમાણી (EPS) સામે 17.5 ગણા પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેના ઐતિહાસિક સરેરાશ 22 ગણા કરતાં અને છેલ્લા એક વર્ષની સરેરાશ કરતાં 20 ટકા ઓછો છે.

2. મજબૂત ઓર્ડર બુક: જૂન ક્વાર્ટરના અંતે કંપની પાસે 5.9 GWના ઓર્ડર્સ હતા, જે નાણાકીય વર્ષ 2028ના ત્રીજા ક્વાર્ટર સુધીની ડિલિવરીનો અંદાજ પૂરો કરે છે. બ્રોકરેજના અંદાજ મુજબ નાણાકીય વર્ષ 2026થી 2028 વચ્ચે કંપનીનો EBITDA વાર્ષિક સરેરાશ 22 ટકા વધી શકે છે.

3. દેશમાં વિન્ડ પાવર ક્ષમતા વધવાની ધારણા: ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ભારતમાં 3 GW વિન્ડ પાવર ક્ષમતા ઉમેરાઈ છે. સામાન્ય રીતે વર્ષના બીજા ભાગમાં કામગીરી 1.5 ગણી વધારે રહેતી હોય છે. એ હિસાબે બીજા છ મહિનામાં લગભગ 4.5 GW નવી ક્ષમતા ઉમેરાઈ શકે છે, જેથી નાણાકીય વર્ષ 2027માં દેશની કુલ નવી ક્ષમતા 7.5 GW થઈ શકે છે.

4. સાંજે વીજળીની માંગનો ફાયદો: સાંજના સમયે વીજળીની વધતી માંગ પવન ઊર્જા માટે ફાયદાકારક સાબિત થઈ રહી છે. વિન્ડ-સોલાર હાઇબ્રિડ અને ચોવીસે કલાક વીજળી પૂરી પાડતા FDRE પ્રોજેક્ટ્સને કારણે પવન ઊર્જાનો વપરાશ વધી રહ્યો છે.

5. ધંધો વધારવાની નવી તકો: કંપની પાસે વૃદ્ધિ માટે ત્રણ ક્ષેત્રો છે — DevCo મોડેલ હેઠળ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં જ 600 MWથી વધુના ઓર્ડર મળ્યા છે; કંપની યુરોપ, ઓસ્ટ્રેલિયા, લેટિન અમેરિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં નિકાસ વધારી રહી છે; અને ભારતમાં જૂના વિન્ડ પ્રોજેક્ટ્સને નવા સાધનોથી અપગ્રેડ કરવાની ક્ષમતા 25 GW જેટલી છે.

ઉપરાંત સરકારી નિયમો, સ્થાનિક ઉપકરણોના ઉત્પાદનને પ્રોત્સાહન અને જમીન પહેલેથી ખરીદવા જેવા પગલાંથી કંપનીની કામગીરી અને ઓર્ડર પૂરા કરવાની ક્ષમતામાં સુધારો થવાની ધારણા છે.

નોંધ: આ લેખ ફક્ત માહિતી માટે છે. આને રોકાણ કે શેર ખરીદ-વેચાણની સલાહ ગણવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ લેવી.