સત્ય. સાહસ. સંકલ્પ.

સુત્રાપાડામાં ધોરણ-9ના વિદ્યાર્થીનો લોહીલુહાણ મૃતદેહ શ્રવણકુંડમાંથી મળ્યો, મોતનું કારણ અસ્પષ્ટ

સુત્રાપાડામાં ધોરણ-9ના વિદ્યાર્થીનો લોહીલુહાણ મૃતદેહ શ્રવણકુંડમાંથી મળ્યો, મોતનું કારણ અસ્પષ્ટ

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં એક સગીર વિદ્યાર્થીનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સુત્રાપાડામાં આવેલા ઋષિ આશ્રમ નજીક નવદુર્ગા માતાજીના મંદિર પાસેના શ્રવણકુંડમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતકની પ્રાથમિક ઓળખ પનાદર ગામના વતની વિશ્વાસ રમેશભાઈ વંશ તરીકે થઈ છે. વિશ્વાસ સુત્રાપાડાની આશ્રમ શાળાની હોસ્ટેલમાં રહીને સ્થાનિક વિવેકાનંદ વિનય મંદિર સ્કૂલમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો.

વહેલી સવારે અન્ય વિદ્યાર્થીઓ જ્યારે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને શ્રવણકુંડમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ નજરે પડ્યો હતો. સગીર વિદ્યાર્થીના મોતના સમાચાર ઝડપથી પ્રસરતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. મોતનું કારણ હજુ સુધી સ્પષ્ટ ન થયું હોવાથી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.

ઘટનાની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતકના પરિવારજનો, કોળી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને તપાસ હાથ ધરી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ સ્પષ્ટ થશે.