સત્ય. સાહસ. સંકલ્પ.

રણજી ટ્રોફીમાં સૂર્યકુમાર યાદવનું મુંબઈ માટે પુનરાગમન, શાર્દૂલ ઠાકુર ઈજાને કારણે બહાર

રણજી ટ્રોફીમાં સૂર્યકુમાર યાદવનું મુંબઈ માટે પુનરાગમન, શાર્દૂલ ઠાકુર ઈજાને કારણે બહાર

પૂર્વ ભારતીય T-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ 2026-27ની રણજી ટ્રોફીમાં મુંબઈ માટે રમવા ઉપલબ્ધ થયા છે. તે 11 ઓક્ટોબરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચંડીગઢ સામે રમાનારી મુંબઈની પ્રથમ એલિટ ગ્રુપ D મેચમાં રમી શકે છે.

સૂર્યકુમારે છેલ્લે ફેબ્રુઆરી 2025માં નાગપુરમાં વિદર્ભ સામે મુંબઈ માટે રણજી મેચ રમી હતી. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક સૂત્ર મુજબ, તેમણે MCA અધ્યક્ષ અજિંક્ય નાઈકને આગામી રણજી ટ્રોફી માટે પોતાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે.

સૂર્યકુમારે અત્યાર સુધી 86 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે, જેમાં 144 ઇનિંગ્સમાં 14 સદી અને 30 અડધી સદી સાથે 5,758 રન બનાવ્યા છે. તેમની બેટિંગ સરેરાશ 42.33 છે.

ઉલ્લેખનીય છે કે T-20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ સિલેક્શન કમિટીએ તેમને કેપ્ટન પદેથી હટાવીને શ્રેયસ અય્યરને નવો કેપ્ટન બનાવ્યો હતો. આ ઉપરાંત આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, ઝિમ્બાબ્વે, અફઘાનિસ્તાન અને જાપાન સિરીઝની ટીમોમાં પણ તેમને સામેલ કરવામાં આવ્યા નથી. સિલેક્ટર્સે તેમના ખરાબ ફોર્મને કારણ ગણાવ્યું છે.

બીજી તરફ, મુંબઈના પૂર્વ કેપ્ટન શાર્દૂલ ઠાકુર હાથની ઈજાને કારણે શરૂઆતની કેટલીક મેચોમાં રમી શકશે નહીં. MCAના એક સૂત્ર મુજબ, આયુષ મ્હાત્રેએ લગાવેલો શોટ વાગતાં બોલ તેમના હાથ પર લાગ્યો હતો.

34 વર્ષીય શાર્દૂલે ગત સિઝનમાં મુંબઈ માટે છ મેચ રમી હતી, જેમાં 13 વિકેટ લીધી હતી અને આઠ ઇનિંગ્સમાં 130 રન બનાવ્યા હતા. તેમની છેલ્લી સ્પર્ધાત્મક મેચ વેસ્ટ ઝોન માટે દલીપ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં હતી, જે BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં નોર્થ ઝોન સામે રમાઈ હતી. તે મેચની બંને ઇનિંગ્સમાં શાર્દૂલ માત્ર એક વિકેટ લઈ શક્યા હતા.

શાર્દૂલની ગેરહાજરીમાં તુષાર દેશપાંડે મુંબઈના ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે.