સત્ય. સાહસ. સંકલ્પ.

રણજી ટ્રોફીમાંથી સૂર્યકુમાર યાદવ બહાર, મુંબઈની ટીમમાં નામ ગાયબ

રણજી ટ્રોફીમાંથી સૂર્યકુમાર યાદવ બહાર, મુંબઈની ટીમમાં નામ ગાયબ

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને પોતાની વિસ્ફોટક 360-ડિગ્રી બેટિંગ માટે દુનિયાભરમાં પ્રખ્યાત સૂર્યકુમાર યાદવ માટે હાલનો સમય કપરો સાબિત થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયામાંથી પહેલેથી જ બહાર ચાલી રહેલા આ 36 વર્ષીય ખેલાડીને હવે વધુ એક ઝટકો લાગ્યો છે. આગામી 2026-27ની રણજી ટ્રોફી સિઝન માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશને પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં સૂર્યકુમાર યાદવનું નામ સંપૂર્ણપણે ગાયબ છે.

મુંબઈની ટીમ રણજી ટ્રોફી 2026-27ની પોતાની સૌપ્રથમ મેચ આગામી 11થી 15 ઓક્ટોબર દરમિયાન ચંદીગઢ સામે રમવા જઈ રહી છે. સોમવારે, 5 ઓક્ટોબરના રોજ માત્ર આ ઓપનિંગ મેચ માટે જ મુંબઈની ટીમ જાહેર કરવામાં આવી છે. આ ટીમનું સુકાનીપદ સિદ્ધેશ લાડને સોંપવામાં આવ્યું છે, જ્યારે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર, સૂર્યકુમાર યાદવે આગામી રણજી ટ્રોફી સિઝનમાં રમવા માટે પોતાની ઉપલબ્ધતા દર્શાવી હતી. આમ છતાં, પસંદગીકારોએ તેમને ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો છે. યુવા ખેલાડીઓને તક આપવાની મુંબઈ ક્રિકેટ એસોસિએશનની નીતિ આ પાછળનું કારણ મનાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ જ વર્ષ 2026નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય કેપ્ટનશીપ T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હતી. પરંતુ, આ જીત બાદ તેમને ફરીથી ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. સૂર્યાની બાદબાકી બાદ ભારતીય T20 ટીમની કમાન શ્રેયસ ઐયરને સોંપવામાં આવી હતી.

36 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં વાપસી લગભગ અશક્ય લાગી રહી છે. ચાહકોને આશા હતી કે તેઓ ઓછામાં ઓછું મુંબઈની સ્થાનિક ટીમમાં રમતા જોવા મળશે, પરંતુ ત્યાંથી પણ તેમની બાદબાકી થઈ છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ભવિષ્યની મેચોમાં તેમને મુંબઈની રણજી ટીમમાં ફરીથી સ્થાન મળે છે કે નહીં.

ચંદીગઢ સામેની પ્રથમ મેચ માટે મુંબઈની ટીમ: સિદ્ધેશ લાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, આયુષ મ્હાત્રે (ઉપ-કેપ્ટન), દિવ્યાંશ સક્સેના, મુશિર ખાન, સરફરાઝ ખાન, સુવેદ પારકર, આકાશ આનંદ (વિકેટકીપર), હાર્દિક તામોર (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયન, અથર્વ મોંઘા, સિલ્વેસ્ટર ડિસોઝા, ઓમકાર તરમલે.