સત્ય. સાહસ. સંકલ્પ.

સૂર્યકુમાર યાદવને મુંબઈની રણજી ટીમમાં સ્થાન નહીં, સિલેક્ટર્સે લયનું કારણ આપ્યું

સૂર્યકુમાર યાદવને મુંબઈની રણજી ટીમમાં સ્થાન નહીં, સિલેક્ટર્સે લયનું કારણ આપ્યું

ભારતને T20 વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવને મુંબઈની રણજી ટ્રોફી ટીમમાં સ્થાન મળ્યું નથી. ચંદીગઢ સામેની મેચ માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ની પસંદગી સમિતિએ ટીમ જાહેર કરી, જેમાં તેની વિનંતી છતાં પસંદગી ન થઈ.

અહેવાલો અનુસાર, સૂર્યકુમારે પત્ર લખીને સિલેક્ટર્સને જણાવ્યું હતું કે તે પસંદગી માટે ઉપલબ્ધ છે. તેમ છતાં તેમની પસંદગી કરવામાં ન આવી. MCAના ચીફ સિલેક્ટર રાજેશ પવારે કારણ આપતા કહ્યું કે સૂર્યકુમારે 18 મહિનાથી લાલ બોલ ક્રિકેટ રમ્યું નથી, તેથી તેમણે પહેલા થોડી મેચ રમીને લય મેળવવી પડશે.

રાજેશ પવારે કહ્યું, 'તે ચોક્કસપણે મોટો ખેલાડી છે અને મુંબઈ માટે પોતાને સાબિત કરી ચૂક્યો છે. અમે બસ એટલું જ ઈચ્છીએ છીએ કે તે કેટલીક મેચ લાલ બોલથી રમતા-રમતા લય મેળવી લે. તેણે છેલ્લા 18 મહિનાથી લાલ બોલથી ક્રિકેટ નથી રમી. તેથી અમે ઈચ્છીએ છીએ કે તે કેટલીક મેચ રમે અને પછી તે ટીમમાં આવી શકે છે.'

આ ટીમમાં સૂર્યકુમાર સિવાય શાર્દુલ ઠાકુરને પણ સ્થાન મળ્યું નથી. ઠાકુર આ સમયે આંગળીની ઈજામાંથી ઉભરી રહ્યો છે. ટીમની કેપ્ટનશીપ સિદ્ધેશ લાડને સોંપવામાં આવી છે, જ્યારે આયુષ મ્હાત્રેને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. મ્હાત્રેએ આ વર્ષની શરૂઆતમાં અંડર-19 વર્લ્ડ કપમાં ભારતને વિજેતા બનાવ્યું હતું.

યશસ્વી જયસ્વાલને પણ ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે જેથી તે ન્યુઝીલેન્ડ પ્રવાસની તૈયારી કરી શકે. સરફરાઝ ખાન અને તેના ભાઈ મુશીર ખાન બંનેને ટીમમાં સ્થાન મળ્યું છે. શમ્સ મુલાની, તુષાર દેશપાંડે અને તનુષ કોટિયાનનું નામ પણ ટીમમાં સામેલ છે.

મુંબઈની ટીમ: સિદ્ધેશ લાડ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, આયુષ મ્હાત્રે (વાઈસ કેપ્ટન), દિવ્યાંશ સક્સેના, મુશીર ખાન, સરફરાઝ ખાન, સુવેદ પારકર, આકાશ આનંદ (વિકેટકીપર), હાર્દિક તામોર (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયાન, અથર્વ અંકોલેકર, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસૂઝા, ઓમકાર તારમલે.