સત્ય. સાહસ. સંકલ્પ.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૂર્યકુમાર યાદવ મુંબઈના કેપ્ટન, 16 સભ્યોની ટીમ જાહેર

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૂર્યકુમાર યાદવ મુંબઈના કેપ્ટન, 16 સભ્યોની ટીમ જાહેર

સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી માટે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (MCA) એ સોમવારે ટીમની જાહેરાત કરી છે. ભારતીય T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવને આ ટૂર્નામેન્ટમાં મુંબઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ 14 નવેમ્બરથી શરૂ થશે.

MCA એ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, “ભારતની T20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ મુંબઈ ટીમની આગેવાની કરશે. તેમનો અપાર આંતરરાષ્ટ્રીય અનુભવ, નેતૃત્વ ક્ષમતા અને આક્રમક બેટિંગ ટીમને મજબૂતી આપશે.”

સૂર્યકુમારને કેપ્ટનશીપનો સારો અનુભવ છે. તેમના નેતૃત્વમાં ભારતે 2026 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઉપરાંત, શ્રેયસ અય્યર આ ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ ન હોવાથી સૂર્યકુમારને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રણજી ટ્રોફીના શરૂઆતના ચાર રાઉન્ડ માટે મુંબઈની ટીમમાં સ્થાન ન મેળવનાર સૂર્યકુમારને સફેદ બોલની ટૂર્નામેન્ટમાં કેપ્ટનશીપ આપવામાં આવે તેવી શક્યતા હતી.

મુંબઈએ આ ટૂર્નામેન્ટ માટે મજબૂત ટીમ પસંદ કરી છે. ટીમમાં ઓલરાઉન્ડર શિવમ દુબે અને શાર્દુલ ઠાકુરને પણ સ્થાન મળ્યું છે. અંગક્રિશ રઘુવંશી, મુશીર ખાન, સરફરાઝ ખાન અને તુષાર દેશપાંડે જેવા સ્ટાર ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે.

મુંબઈને એલીટ ગ્રુપ-D માં છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હૈદરાબાદ, ઓડિશા, ઉત્તરાખંડ અને વિદર્ભ સાથે રાખવામાં આવ્યું છે.

મુંબઈની ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી, દિવ્યાંશ સક્સેના, સુવેદ પારકર, મુશીર ખાન, સરફરાઝ ખાન, સાઈરાજ પાટીલ, શિવમ દુબે, અથર્વ અંકોલેકર, શમ્સ મુલાની, મેક્સવેલ સ્વામીનાથન, તુષાર દેશપાંડે, શાર્દુલ ઠાકુર, મોહિત અવસ્થી, સિલ્વેસ્ટર ડિસૂઝા અને હાર્દિક તામોરે.