ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક બેટર અને ‘મિસ્ટર 360 ડિગ્રી’ તરીકે જાણીતા સૂર્યકુમાર યાદવે દુબઈમાં એક લક્ઝુરિયસ ઘર ખરીદ્યું છે. આ ઘર ખરીદવા સાથે તેઓ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પડોશી બન્યા છે.
સૂર્યકુમારે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કરીને આ ખુશખબર ચાહકો સાથે વહેંચી છે. વીડિયોમાં તેઓ પ્રોપર્ટીના દસ્તાવેજો પર સહી કરતા જોવા મળે છે. આ ખાસ પ્રસંગે તેમની પત્ની દેવિશા શેટ્ટી પણ હાજર હતી અને બંને દસ્તાવેજો પર સહી કરતી વખતે ખુશ દેખાયા હતા.
સૂર્યકુમારે આ પ્રોપર્ટી જાણીતા રિયલ એસ્ટેટ ગ્રૂપ ‘ડેન્યૂબ પ્રોપર્ટીઝ’ પાસેથી ખરીદી છે. દુબઈમાં રોકાણ કરવા અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “અમે અહીં આઈપીએલ રમ્યા હતા. હું 2014માં પહેલીવાર અહીં આવ્યો હતો અને ત્યારબાદ 2020માં પણ આવ્યો હતો. અત્યારે આખું ભારત જાણે દુબઈ તરફ વળી રહ્યું છે. અહીંની લક્ઝરી અને જીવનશૈલી સાચે જ અદભૂત છે. ભારતમાં સલામતી છે જ, પરંતુ દુબઈ પણ સેફ્ટીની બાબતમાં ઉત્કૃષ્ટ સ્થળ છે. અહીં આવીને ખૂબ જ શાંતિ અને આનંદનો અહેસાસ થાય છે.”
પોસ્ટના કેપ્શનમાં સૂર્યકુમારે વિગત આપતાં લખ્યું હતું કે, “મને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે મેં #ShahrukhzResidencesbyDanube માં રોકાણ કર્યું છે. દુબઈ મેરીટાઇમ સિટીના મધ્યમાં સ્થિત આ એક પ્રીમિયમ, વોટરફ્રન્ટ રેસિડેન્સ છે.” તેમણે ઉમેર્યું હતું કે, “અહીં મળતી 40થી વધુ પ્રીમિયમ સુવિધાઓ શાનદાર છે જ, પરંતુ મારું દિલ જે બાબતે જીત્યું છે તે છે અહીંનો ‘લોન્જેવિટી લાઉન્જ’. કોઈ રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં આવી સુવિધા મેં પહેલીવાર સાંભળી છે.”
ઉલ્લેખનીય છે કે, ડેન્યૂબ ગ્રૂપ દુબઈમાં ‘શાહરૂખ્સ રેસિડન્સ’ નામથી એક અલ્ટ્રા-પ્રીમિયમ પ્રોજેક્ટ વિકસાવી રહ્યું છે. આ જ વૈભવી બિલ્ડિંગમાં સૂર્યકુમાર યાદવે પોતાનું નવું સરનામું બનાવ્યું છે, જેને કારણે હવે તેઓ બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પડોશી બન્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને ક્રિકેટ જગતના દિગ્ગજો સૂર્યા અને દેવિશાને આ નવા ઘર માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.