સાઉથ સિનેમાની જાણીતી જોડી સૂર્યા અને જ્યોતિકાએ તેમના લગ્નના 20 વર્ષ પૂરા થવાના પ્રસંગે ખાનગી સમારંભમાં ફરી એકબીજા સાથે લગ્ન કર્યા છે. આ સમારંભમાં બંનેના બાળકો દેવ અને દીયા, સૂર્યાના ભાઈ કાર્તી અને પરિવારના નજીકના સભ્યો જોડાયા હતા.
જ્યોતિકાએ સોશિયલ મીડિયા પર આ સમારંભનો વીડિયો શેર કર્યો છે. તેમણે તેને 'ધ સિક્વલ' નામ આપ્યું છે અને લખ્યું છે કે, આ કોઈ પરફેક્ટ લગ્નનો ઉજવણી નથી, પરંતુ એકબીજાની ભૂલો, સમજ, ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમને સ્વીકારવાની ઉજવણી છે. તેમણે સૂર્યાને પોતાનો સૌથી સારો મિત્ર અને સહપ્રવાસી ગણાવ્યો છે.
સમારંભમાં જ્યોતિકાએ સફેદ વેડિંગ ગાઉન પહેર્યું હતું, જ્યારે સૂર્યાએ સફેદ સૂટમાં શોભા વધારી હતી. દીકરો દેવ તેની માતા જ્યોતિકાનો હાથ પકડીને નવી સફર શરૂ કરવા લઈ જતો જોવા મળ્યો હતો, જ્યારે દીકરી દીયા 'મેડ ઓફ ઓનર' બની હતી. જ્યોતિકાને દુલ્હનના રૂપમાં જોઈને સૂર્યા ભાવુક થઈ ગયો હતો.
સૂર્યા અને જ્યોતિકાએ 1999માં ફિલ્મ 'પુવેલ્લમ કેટ્ટુપ્યાર'માં પહેલી વખત સાથે કામ કર્યું હતું. ત્યારબાદ 'કાખા કાખા', 'સિલુનુ' અને 'કાધલ' જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં તેઓ સાથે જોવા મળ્યા હતા. સપ્ટેમ્બર 2006માં બંનેએ લગ્ન કર્યા હતા અને હવે તેમને 20 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે ચાહકો અને સ્ટાર્સ તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.