પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કોચિંગ સ્ટાફમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે ફ્રેન્ચાઇઝીને કોચિંગમાં સ્થાન આપવા વિનંતી કરી છે, પરંતુ અત્યાર સુધી તેમને કોઈ જવાબ મળ્યો નથી.
રૈનાએ આ વાત તેમના પૂર્વ સાથી રવિચંદ્રન અશ્વિનની યુટ્યુબ ચેનલ પરની વાતચીતમાં કહી. તેમણે જણાવ્યું, “મેં મારી ઇચ્છા જણાવી દીધી છે અને હવે નિર્ણય CSKએ લેવાનો છે. મારા માટે સૌથી મહત્વની વાત ચેન્નાઈ સાથે રહેવાની અને ટીમને ટ્રોફી જીતાડવામાં મદદ કરવાની છે.”
રૈનાને તેમના IPL પ્રદર્શનને કારણે ‘મિસ્ટર IPL’ તરીકે ઓળખવામાં આવે છે. સંન્યાસ બાદ તેઓ ક્રિકેટ નિષ્ણાત અને કોમેન્ટેટર તરીકે કામ કરી રહ્યા છે.
રૈના 2008થી 2021 સુધી CSK સાથે જોડાયેલા રહ્યા. વચ્ચે જ્યારે CSKને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી હતી, ત્યારે 2016 અને 2017ની સીઝનમાં તેમણે નવી ટીમ ગુજરાત લાયન્સની કેપ્ટનશિપ કરી હતી.
રૈનાએ CSK સાથે ધોનીની કેપ્ટનશીપ હેઠળ IPLમાં 4 ખિતાબ અને 2 ચેમ્પિયન્સ લીગ ખિતાબ જીત્યા છે. તેઓ CSK માટે સૌથી વધુ રન બનાવનાર બેટર પણ છે.
રૈનાએ કહ્યું, “હું CSK સાથે કોઈપણ ભૂમિકામાં કામ કરવાનું પસંદ કરીશ. મારા માટે સૌથી મહત્વનું એ છે કે હું ખેલાડીઓ સાથે રહું અને તેઓ ટ્રોફી જીતે. પીળો રંગ અમારા માટે બધું જ છે.”
તેમણે આગળ કહ્યું, “મેં ઈન્ટરનેશનલ ક્રિકેટ, IPL અને વર્લ્ડ કપ રમ્યા છે. CSK માટે ઘણા રન બનાવ્યા છે. ઘણી ફાઇનલ રમી, કેટલીક જીતી અને કેટલીક હારી. દબાણમાં માનસિક રીતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનું શીખ્યો. હું મારો અનુભવ ખેલાડીઓ સાથે વહેંચવા માગું છું.”
રૈનાએ ઉમેર્યું, “હવે આ તેમની ટીમ છે અને અમે બંને (રૈના અને અશ્વિન) હવે નિવૃત્ત થઈ ચૂક્યા છીએ.”
ઉલ્લેખનીય છે કે, IPL 2027 પહેલાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો કર્યા છે. ફ્રેન્ચાઇઝીએ સ્ટીફન ફ્લેમિંગની જગ્યાએ પૂર્વ ભારતીય ઝડપી બોલર ઝહીર ખાનને ટીમના નવા હેડ કોચ બનાવ્યા છે. આ ઉપરાંત મોહિત શર્માને બોલિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ગેરેથ બેટી અને એલ્બી મોર્કેલ પણ આસિસ્ટન્ટ કોચ તરીકે ટીમ સાથે જોડાયા છે.
સ્ટીફન ફ્લેમિંગ 2009થી 2026 સુધી ટીમના હેડ કોચ રહ્યા. ફ્લેમિંગનો CSK સાથેનો સંબંધ 2008માં ખેલાડી તરીકે શરૂ થયો હતો. ઝહીર પહેલી વાર IPLમાં કોઈ ફ્રેન્ચાઇઝીના હેડ કોચની જવાબદારી સંભાળશે.