સત્ય. સાહસ. સંકલ્પ.

કોહલીની કેપ્ટનશીપમાં ટીમમાંથી બહાર થવા અંગે સુરેશ રૈનાએ તોડ્યું મૌન

કોહલીની કેપ્ટનશીપમાં ટીમમાંથી બહાર થવા અંગે સુરેશ રૈનાએ તોડ્યું મૌન

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈનાએ વિરાટ કોહલીની કેપ્ટનશીપ દરમિયાન ટીમમાંથી બહાર કરવામાં આવવા અંગે પોતાનું મૌન તોડ્યું છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરા સાથેની વાતચીતમાં રૈનાએ કહ્યું કે, શરૂઆતમાં તે અને યુવરાજ સિંહ યો-યો ટેસ્ટમાં નિષ્ફળ ગયા હતા. જોકે, ત્યારબાદ તેમણે સખત મહેનત કરીને ટેસ્ટ પાસ કર્યો અને ઘરેલુ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું. છતાં, તેમને ટીમમાં પાછા ફરવાની તક ન મળી.

રૈનાએ જણાવ્યું કે, "મેં કેપ્ટન અને કોચને સીધો સવાલ પૂછ્યો હતો કે ફિટનેસ ટેસ્ટ પાસ કરવા છતાં અમને તક કેમ નથી આપવામાં આવતી? પરંતુ તે સમયે કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહીં." રૈનાએ એમ પણ કહ્યું કે, જો તે અને યુવરાજ સિંહ 2019ના વર્લ્ડ કપમાં હોત તો તેમના અનુભવનો ભારતને ફાયદો થયો હોત, પરંતુ પસંદગીકારોએ મિડલ ઓર્ડરમાં પ્રયોગો કર્યા. તેમણે સ્વીકાર્યું કે દરેક કેપ્ટનને ટીમ બનાવવાનો અધિકાર છે, પરંતુ તેમનું વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન અધૂરું રહ્યું.

ઉલ્લેખનીય છે કે રૈનાએ માત્ર 33 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જે એમએસ ધોનીની નિવૃત્તિના થોડા સમય બાદ 15 ઓગસ્ટ, 2020ના રોજ જાહેર કરાઈ હતી. આ નિવેદનથી પસંદગી પ્રક્રિયા અંગે ફરી સવાલો ઉઠ્યા છે.