સત્ય. સાહસ. સંકલ્પ.

સુરેન્દ્રનગરના કોરડા ગામે યુવકની હત્યાનો ખુલાસો: પરિવારે જ ગળું દબાવ્યું, 6ની ધરપકડ

સુરેન્દ્રનગરના કોરડા ગામે યુવકની હત્યાનો ખુલાસો: પરિવારે જ ગળું દબાવ્યું, 6ની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે યુવકની આત્મહત્યાના કેસમાં પોલીસ તપાસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મૃતકની ઓળખ મહેશ ઉર્ફે ડફલી લાખાભાઈ રોજાસરા તરીકે થઈ છે, જે રાજકોટની એક મહિલા સાથે લિવ-ઈનમાં રહેતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, યુવકને તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા અને જમીન તેના નામે કરાવવાનું કહેતાં પરિવારને આ ન સ્વીકાર્યું. પરિવારને ડર હતો કે યુવક તેના ભાગે આવતી જમીન પ્રેમિકાને આપી દેશે. આ ડરના કારણે પરિવારે ભેગા મળીને યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો.

પરિવારજનોએ યુવકને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો અને ગળું દબાવીને તેની હત્યા કરી. બાદમાં હત્યાને આત્મહત્યાનું રૂપ આપી દીધું અને યુવકે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું દર્શાવ્યું. પરિવારે યુવકની અંતિમક્રિયા પણ કરી નાખી હતી.

પોલીસે શંકાના આધારે મૃતકના પરિવારની પૂછપરછ કરી ત્યારે સાચી વિગતો બહાર આવી. ચુડા પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મૃતકના સગા ભાઈ સુરેશભાઈ લાખાભાઈ રોજાસરા, કુટુંબી ભાઈ ઘનશ્યામભાઈ ભુપતભાઈ રોજાસરા, ભત્રીજો નનલેશભાઈ ઘનશ્યામભાઈ રોજાસરા, માતા મધુબહેન લાખાભાઈ રોજાસરા, ભાભી સુરતીબહેન ઘનશ્યામભાઈ રોજાસરા અને હેતલબહેન સુરેશભાઈ રોજાસરાનો સમાવેશ થાય છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.