સત્ય. સાહસ. સંકલ્પ.

સુરેન્દ્રનગરમાં ભયાનક અકસ્માત: ટ્રક પાછળ ઈકો ઘૂસતાં ત્રણના મોત

સુરેન્દ્રનગરમાં ભયાનક અકસ્માત: ટ્રક પાછળ ઈકો ઘૂસતાં ત્રણના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના વડગામ અને પાનવા ગામ વચ્ચે આજે એક ગંભીર માર્ગ અકસ્માત થયો હતો. રસ્તા પર ઊભેલા ટરબો ટ્રક પાછળ એક ઈકો કાર ઘૂસી જતાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા છે.

દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ. ખડીયાએ આપેલી માહિતી મુજબ, ઈકો કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઉપરાંત, ટ્રકના ક્લીનરે અકસ્માત બાદ ખેતરમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે ઝટકા મશીનના કરંટથી તેનું પણ મોત થયું હતું.

અકસ્માતના પગલે ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી અને હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. દસાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ વી.આઈ. ખડીયા અને પીએસઆઇ વી.જે. માલવિયા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે દસાડા સરકારી હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી છે.

અકસ્માતમાં ઈકો કારનો આગળનો ભાગ પૂરો ભૂક્કો થઈ ગયો હતો. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.