સત્ય. સાહસ. સંકલ્પ.

સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે મહિલા પર બર્બરતા, 9ની ધરપકડ

સુરેન્દ્રનગરમાં શુદ્ધિકરણના નામે મહિલા પર બર્બરતા, 9ની ધરપકડ

સુરેન્દ્રનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શુદ્ધિકરણના નામે એક મહિલા સાથે દુષ્કર્મ અને અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મહિલા તેના પતિને છોડીને અન્ય એક પુરુષ સાથે રહેવા ગઈ હતી. આ બાબતે પતિ અને તેના પરિવારજનોએ અદાવત રાખી હતી. આરોપીઓએ મહિલાને ઘરમાં ગેરકાયદેસર રીતે બાંધી રાખી હતી. મહિલા તક મળતાં ત્યાંથી ભાગી ગઈ હતી, પરંતુ આરોપીઓએ તેનો પીછો કરીને પકડી લીધી હતી.

આરોપીઓ મહિલા અને તેની સાથેના પુરુષને શુદ્ધિકરણ વિધિના બહાને સુરેન્દ્રનગર લાવ્યા હતા. ત્યાં લાકડાના ધોકા અને લાતોથી માર મારીને મહિલાને ઝાડ સાથે બાંધી દીધી હતી. આરોપીઓએ મહિલા સાથે ગયેલા પુરુષ પાસે જ મહિલા સાથે કુકર્મ કરાવ્યું હતું. આ સમગ્ર ઘટનાની વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. આરોપીઓએ અશ્લીલ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એએસપી વેદિકા બિહાનીના નેતૃત્વમાં પોલીસે સામાજિક આગેવાનોની માહિતીના આધારે પીડિતાને શોધી કાઢી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગોંધી રાખવી, અપહરણ, દુષ્કર્મ અને ઈજા પહોંચાડવા જેવા વિવિધ ગુનાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

એએસપી અને તેમની ટીમે મહિલાની પૂછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીઓએ આ ગુનામાં અન્ય આરોપીઓને સહયોગ આપ્યો હતો. હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરીને તેમનો ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવી રહ્યો છે.