સત્ય. સાહસ. સંકલ્પ.

પોલીસ સ્ટેશનમાં જ PSI સામે હત્યાનો ગુનો: પહેલાં ક્લિનચીટ, પછી કોર્ટના આદેશથી FIR

પોલીસ સ્ટેશનમાં જ PSI સામે હત્યાનો ગુનો: પહેલાં ક્લિનચીટ, પછી કોર્ટના આદેશથી FIR

સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI વી.એન. જાડેજા અને અન્ય પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. આ ગુનો એ જ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે જ્યાં તેઓ નોકરી કરતા હતા. આ કેસ ગયા વર્ષે થયેલી એક ઘટનાથી જોડાયેલો છે, જેમાં પોલીસ સાથેના ઘર્ષણમાં હનીફખાન ઉર્ફે કાળો મુન્ના અને તેના પુત્રનું મોત થયું હતું.

ઘટનાની શરૂઆતમાં પોલીસને બાતમી મળી હતી કે 114 ગુના નોંધાયેલા ધરાવતો કાળો મુન્ના પોતાના ઘરે આવ્યો છે. ત્યારબાદ પોલીસ ટીમ રાત્રે તેને પકડવા ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, કાળો મુન્નાએ ફાયરિંગ કરતાં પોલીસે સામો ફાયરિંગ કર્યો હતો, જેમાં એક ગોળી કાળો મુન્નાને અને બીજી તેના પુત્રને વાગી હતી. આ દરમિયાન ગામલોકોનું ટોળું હથિયારો સાથે આવી પહોંચ્યું હતું અને પોલીસ પર હુમલો કર્યો હતો. પોલીસે જીવ બચાવવા માટે કાળો મુન્ના અને કાર ગામમાં જ છોડીને ભાગવું પડ્યું હતું. આ ઘટનામાં કાળો મુન્ના અને તેના પુત્રનું મોત થયું હતું.

આ ઘટના બાદ પરિવારજનોએ પોલીસ પર આરોપ લગાવ્યો હતો કે PSI જાડેજા અને અન્ય પોલીસકર્મીઓ ખાનગી વાહનમાં કાળો મુન્નાના ઘરે આવ્યા હતા અને તેને પકડીને કારમાં બેસાડી દીધો હતો. જ્યારે તેનો દીકરો બચાવવા આગળ આવ્યો ત્યારે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. આ ઝઘડામાં PSI જાડેજાએ કાળો મુન્નાના પુત્રને છાતીમાં ગોળી મારી દીધી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. કાળો મુન્નાને પણ ગોળી મારીને તેનું મોત નિપજાવ્યું હતું. પરિવારે એવો આરોપ પણ લગાવ્યો હતો કે આ બનાવ પહેલાં પણ પોલીસ તેમને ધમકી આપતી હતી અને વારંવાર હેરાન કરતી હતી.

કાયદાકીય જોગવાઈ મુજબ, એન્કાઉન્ટર સહિતના વિવાદાસ્પદ કેસમાં ભવિષ્યમાં કોઈ વિવાદ ઊભો થવાની સંભાવના હોય ત્યારે સંબંધિત જ્યુડિશિયલ કોર્ટે તપાસ કરીને તેનો રિપોર્ટ હાઈકોર્ટને આપવાનો રહે છે. આ જ જોગવાઈ હેઠળ પાટડીની જ્યુડિશિયલ કોર્ટે ખાનગી રિપોર્ટ હાઈકોર્ટને સુપ્રત કર્યો હતો, જેમાં પોલીસને ક્લિનચીટ આપીને જણાવાયું હતું કે પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો અને હત્યાનો કોઈ ગુનો બનતો નથી. હાઈકોર્ટે આ રિપોર્ટ સ્વીકારી લીધો હતો.

દરમિયાનમાં પોલીસ ગોળીબારમાં મરનારાઓના પરિવારે હાઈકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે પાટડી કોર્ટના અન્ય જ્યુડિશિયલ જજને તપાસ કરવા હુકમ કર્યો હતો અને અગાઉના રિપોર્ટને ધ્યાનમાં લીધા વગર સ્વતંત્ર તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આમ, એક સમયે પોલીસને મળેલી ક્લિનચીટ સામે ફરીથી તપાસ શરૂ થઈ હતી.

આ હુકમના પગલે પાટડી કોર્ટે તપાસ કરીને 17 એપ્રિલ, 2025ના રોજ આરોપી પોલીસકર્મચારીઓ અને અધિકારીઓ સામે ખૂનનો ગુનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો અને આ ગુનાની તપાસ DySP કક્ષાના અધિકારીને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી બજાણા પોલીસ સ્ટેશનમાં 29 મે, 2025ના રોજ PSI વી.એન. જાડેજા અને બીજા પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આમ, જે પોલીસ સ્ટેશનમાં તેઓ ફરજ બજાવતા હતા તે જ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

આ કેસમાં કાળો મુન્નાની પુત્રી ફરિયાદી હતી. જો કે તે સગીર વયની હોવાથી તેના વાલી તરીકે કાળો મુન્નાની સાસુ હનીફાબાનુના નામે ફરિયાદ નોંધાવાઈ હતી. પાટડી કોર્ટે DySP કક્ષાના અધિકારીને તપાસ કરવાનો હુકમ કરતાં આ ગુનાની તપાસ DySP જે.ડી. પુરોહિતને સોંપાઈ હતી. તેમણે આખા ગુનાની ફેરતપાસ શરૂ કરી હતી. અંદાજે અઢીથી ત્રણ મહિના પછી DySP પુરોહિતે પાટડીની કોર્ટમાં સી સમરી રિપોર્ટ ફાઇલ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે ફરિયાદ સાચી છે પરંતુ હકીકત દોષ છે.

DySP પુરોહિતના રિપોર્ટમાં ખૂલ્યું કે કાળો મુન્નાએ જે પિસ્તોલથી પોલીસ પર ફાયરિંગ કર્યું તે ગેરકાયદેસર હતી. ઈજાગ્રસ્ત કાળો મુન્ના અને તેના પુત્રને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા પણ ફરજ પરના ડૉક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા. એ સમયે કાળો મુન્ના અને તેના દીકરાનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારે કાળો મુન્નાના ખિસ્સામાંથી 5 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. કારમાંથી મળેલી મુન્નાની ગેરકાયદેસર પિસ્તોલ તથા તેમાંથી મળેલા 2 જીવતા કારતૂસ અને ઘટનાસ્થળે મળેલા એક કારતૂસના ખોખાની બેલેસ્ટિક વિભાગે તપાસ કરી હતી. જીવતા અને ફૂટેલા કારતૂસનું ખોખું કાળો મુન્નાની ગેરકાયદેસર પિસ્તોલના જ હોવાનો રિપોર્ટ આવ્યો હતો.