સત્ય. સાહસ. સંકલ્પ.

સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલો: આરોપીના પગમાં ગોળી, રાજકોટમાં પણ ફાયરિંગ

સુરેન્દ્રનગરમાં પોલીસ પર હુમલો: આરોપીના પગમાં ગોળી, રાજકોટમાં પણ ફાયરિંગ

સૌરાષ્ટ્રમાં એક જ રાતમાં પોલીસ પર હુમલાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં બની હતી, જ્યાં પોલીસ ટીમો પર આરોપીઓએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જવાબમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં બંને આરોપીઓ ઘાયલ થયા છે. સદનસીબે આ ઘટનાઓમાં કોઈ પોલીસ કર્મચારીને ઈજા પહોંચી નથી.

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક આવેલા ગોસળ ગામ પાસે પોલીસ અને નામચિન ગુનેગાર વચ્ચે ફાયરિંગની ઘટના બની હતી. સુદામડા ગામનો રહેવાસી અને અનેક ગુનાઓમાં સંડોવાયેલો નાસતો ફરતો આરોપી દેવેન્દ્ર બોરીચા ઉર્ફે ‘ડેંડુ’ને ઝડપવા માટે રાજકોટ રેન્જ આઈજીની ટીમે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેણે PSI ભાનુભાઈ મિયાત્રાની રિવોલ્વર આંચકીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને આરોપી વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં રેન્જ PSI પૃથ્વીસિંહ મોરીએ પહેલા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બાદમાં બીજી ગોળી આરોપીના પગમાં મારી હતી. ગોળી વાગતાં ઈજાગ્રસ્ત થયેલા આરોપીને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ જિલ્લા SP, લીંબડી DySP, LCB અને SOGનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. SPના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે.

બીજી ઘટના રાજકોટમાં બની હતી, જ્યાં તન્વી ગોલ્ડમાં લૂંટ અને હત્યાના આરોપી અનુરાગસિંહે પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર તેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જવાબમાં પોલીસે આરોપીના પગમાં ગોળી ધરબી દીધી હતી. ઈજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ બંને ઘટનાઓએ સૌરાષ્ટ્રમાં પોલીસ અને ગુનેગારો વચ્ચેની લડાઈને ઉજાગર કરી છે. પોલીસે ગુનેગારોને જડબાતોડ જવાબ આપ્યો છે અને કાયદો હાથમાં લેનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી છે.