સત્ય. સાહસ. સંકલ્પ.

સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રાના નામે 450 લોકો સાથે ઠગાઈ, રૂ.16.80 લાખની છેતરપિંડી

સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રાના નામે 450 લોકો સાથે ઠગાઈ, રૂ.16.80 લાખની છેતરપિંડી

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન હરિદ્વાર યાત્રાના નામે 450થી વધુ લોકો પાસેથી નાણાં ઉઘરાવીને ત્રણ ટ્રાવેલ્સ સંચાલકો ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ વ્યક્તિદીઠ રૂ.4,200 લેખે કુલ રૂ.16.80 લાખથી વધુની ઠગાઈ કરી હોવાનો આક્ષેપ મુસાફરોએ કર્યો છે.

મળતી માહિતી મુજબ, આરોપીઓએ લોકોને શ્રીમદ્ ભાગવત કથામાં ભાગ લેવા બદલ દિવસના રૂ.700ના હિસાબે છ દિવસના રૂ.4,200 પરત મળવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત 11 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી ચાલનારી હરિદ્વાર યાત્રામાં ચા-નાસ્તો, ભોજન, એસી બસ, એસી રૂમ અને ભાગવત કથા માટે હોલ સહિતની સુવિધાઓ આપવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો. આકર્ષક ઓફરોને કારણે મોટી સંખ્યામાં લોકોએ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું અને નાણાં જમા કરાવ્યાં હતાં.

ભાઈબીજના દિવસે હરિદ્વાર જવા માટે બસ રવાના થવાની હતી, પરંતુ લાંબી રાહ જોયા પછી પણ બસ ન આવતાં લોકોમાં રોષ ફેલાયો હતો. મુસાફરોએ ટ્રાવેલ્સ સંચાલકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના મોબાઈલ ફોન બંધ આવતા શંકા વધુ ઘેરી બની હતી. કેટલાક મુસાફરોએ જણાવ્યું કે તેમણે યાત્રા માટે ઉધાર લઈને પણ નાણાં ભર્યાં હતાં, અને હવે યાત્રા રદ થતાં અને નાણાં પરત ન મળતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે.

આ મામલે મુસાફરોએ સુરેન્દ્રનગરના એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં અંદાજે 450થી વધુ લોકો પાસેથી વ્યક્તિદીઠ રૂ.4,200 ઉઘરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે, જેના આધારે ઠગાઈનો આંકડો રૂ.18.90 લાખ સુધી પહોંચી શકે છે. જ્યારે મુસાફરોએ રૂ.16.80 લાખથી વધુની છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, અને ભોગ બનેલા મુસાફરોએ આરોપીઓની વહેલી ધરપકડ કરી પોતાના નાણાં પરત અપાવવાની માગ કરી છે.