સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને એક અનામી પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું – “અમને દીકરી સમજીને તપાસ કરજો.” આ ભાવુક અપીલે સુરેન્દ્રનગરની ચર્ચિત ‘ક્લબ 71 જીમ’ના ગંભીર ગુનાનો પર્દાફાશ કર્યો છે.
પત્ર મળ્યાના 15 કલાકમાં જ પોલીસે યોજના ઘડી. એએસપી વેદિકા બિહાની અને તેમની ટીમે ગ્રાહકના વેશમાં ટી-શર્ટ અને બર્મુડા પહેરીને જીમમાં પ્રવેશ કર્યો અને જીમ માલિક આમીન યાસીન મુલતાનીને બર્મુડામાં જ ઝડપી લીધો. જીમને સીલ કરી દેવાયો છે.
જીમની ભૂતપૂર્વ રિસેપ્શનિસ્ટ યુવતીએ આમીન મુલતાની સામે માનસિક ત્રાસ, પ્રેમસંબંધ બાંધવા દબાણ અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી, શનિવારે મોડી સાંજે તેને કોર્ટમાં રજૂ કરાતા અદાલતે 3 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ B.Sc IT અને વકીલાતનો અભ્યાસ કરેલો છે. કાયદા અને ટેકનોલોજીની સમજ હોવાના કારણે તે શાતિરતાપૂર્વક બ્લેકમેઇલિંગનું જાળું ચલાવતો હતો અને પોતાની ઓળખ છુપાવવા માટે અન્ય લોકોના મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો.
જીમમાંથી 100 યુવતીના 1300 જેટલા વાંધાજનક ફોટા અને વીડિયો, 17 ચેક, નોટરી કરાર અને આધારકાર્ડ મળી આવ્યા છે. આ દસ્તાવેજો પરથી પોલીસને શંકા છે કે આરોપી ગેરકાયદેસર વ્યાજવટાવનો વ્યવસાય પણ કરતો હતો. તેની પાસે નાણા ધીરધારનું લાયસન્સ હતું કે નહીં અને ચોપડામાં લખેલા નામો સાથે તેણે કોઈ ગુનો આચર્યો છે કે નહીં, તે દિશામાં તપાસ ચાલી રહી છે.
સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુએ ભોગ બનનાર મહિલાઓને આગળ આવવાની અપીલ કરી છે. તેમણે ખાતરી આપી કે, મહિલા ભલે રાજીખુશીથી, દબાણથી કે લાલચથી આરોપીના સંપર્કમાં આવી હોય, પણ તેની જાણ બહાર ફોટા કે વીડિયો ઉતારવો કાયદેસર મોટો ગુનો છે. પીડિત મહિલાઓએ ડરવાની જરૂર નથી. હિંમત કરીને આગળ આવો, પોલીસ તમારો સંપર્ક કરશે અને તમારી ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખશે.
પોલીસ જીમમાંથી મળેલા ચોપડામાં જે-જે વ્યક્તિઓના નામ છે, તે તમામને પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરશે. આરોપીએ તેમની સાથે પણ બ્લેકમેઇલિંગ કે કાયદા વિરોધી કૃત્ય આચર્યું છે કે નહીં તેની ઝીણવટભરી તપાસ થશે.
આ ઘટનાને લઈને સુરેન્દ્રનગર જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ રમેશ ભુતડાની અધ્યક્ષતામાં આજે સાંજે ચાર વાગ્યે જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતા છે.