સત્ય. સાહસ. સંકલ્પ.

સુરેન્દ્ર તિવારીની ધરપકડ: 519 કરોડના ડોનેશનમાં 155 કરોડની ટેક્સ ચોરીનો આરોપ

સુરેન્દ્ર તિવારીની ધરપકડ: 519 કરોડના ડોનેશનમાં 155 કરોડની ટેક્સ ચોરીનો આરોપ

અમદાવાદ: કરોડો રૂપિયાની ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગના આરોપમાં સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર પરસોત્તમપ્રકાશ તિવારીની CID ક્રાઇમે ધરપકડ કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ડોનેશનના નામે કુલ 519 કરોડ રૂપિયા મેળવ્યા હતા અને તેમાંથી અંદાજે 155 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી હોવાનો આરોપ છે. આ કથિત કૌભાંડથી સરકારી તિજોરીને પણ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

CID ક્રાઇમે આરોપીને અમદાવાદની ઘીકાંટા ફોજદારી કોર્ટમાં રજૂ કર્યો હતો. તપાસનીશ અધિકારીએ આરોપીના 8 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.બી. પરમારે આરોપીને 6 દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.

CID ક્રાઇમની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, સુરેન્દ્ર તિવારીએ કરદાતાઓ પાસેથી ડોનેશનના નામે કુલ 519 કરોડ રૂપિયા મેળવ્યા હતા. આ નાણાકીય વ્યવહારોમાં અંદાજે 155 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી આચરવામાં આવી હોવાનો આરોપ છે. તપાસ એજન્સીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ સમગ્ર કૌભાંડ પૂર્વઆયોજિત અને મોટા પાયે આચરવામાં આવ્યું છે. આરોપીની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવે તો જ સમગ્ર નાણાકીય વ્યવહારો અને કૌભાંડની પદ્ધતિ અંગે ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે તેમ છે.

આ કથિત કૌભાંડમાં ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર ખત્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયુરસિંહ રાઠોડની ભૂમિકા પણ તપાસમાં સામે આવી છે. CID ક્રાઇમ હવે આ બંને સાથે આરોપીના કથિત મેળાપીપણાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત ફોર્મ-24 તૈયાર કરવાની પ્રક્રિયા અને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા કન્ટ્રીબ્યુશન રિપોર્ટની સત્યતા ચકાસવાની પણ તપાસ એજન્સીની યોજના છે. આ રિપોર્ટમાં દર્શાવવામાં આવેલી ડોનેશનની વિગતો અને વાસ્તવિક નાણાકીય વ્યવહારો વચ્ચે કોઈ તફાવત છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

આ કેસમાં હવે ડોનેશન આપનારા, RTGS મારફતે નાણાં ટ્રાન્સફર કરનારા તેમજ રોકડમાં નાણાકીય વ્યવહારો કરનારા લોકોની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવી શકે છે. CID ક્રાઇમ દ્વારા ડોનેશનના નાણાંનો સ્ત્રોત, તેના વ્યવહારો અને કથિત ટેક્સ ચોરીમાં સામેલ અન્ય લોકો અંગે તપાસ આગળ વધારવામાં આવશે.