સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: મંદિર બાંધકામ સ્થળે યુવકના માથામાંથી 3.5 ફૂટનો સળિયો પસાર, 10 ડોક્ટરોની ટીમે 4 કલાકની સર્જરી કરી બચાવ્યો

સુરત: મંદિર બાંધકામ સ્થળે યુવકના માથામાંથી 3.5 ફૂટનો સળિયો પસાર, 10 ડોક્ટરોની ટીમે 4 કલાકની સર્જરી કરી બચાવ્યો

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામે નિર્માણાધીન સ્વામિનારાયણ મંદિરના બાંધકામ સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો છે. 18 વર્ષીય યુવક કિરણ ડામોર પોતાના મોટાભાઈને મળવા આવ્યો હતો અને પાણી પીવા માટે પહેલા માળે ગયો હતો. ત્યાં પગ લપસી જતાં તે નીચે પટકાયો અને નીચે પડેલો લોખંડનો સળિયો તેના શરીરમાં ઘૂસી ગયો હતો.

સિવિલ હોસ્પિટલ, સુરતના ન્યુરોસર્જરી વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. મેહુલ મોદીએ જણાવ્યું કે, સળિયો યુવકની આંખમાંથી ઘૂસીને ખોપરીમાંથી બહાર નીકળ્યો હતો, જ્યારે બીજો સળિયો હાથમાં ઘૂસીને આરપાર નીકળ્યો હતો. દર્દીને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ ગંભીર હતી. તાત્કાલિક તપાસ બાદ તેને ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો.

સર્જરી પહેલાં ફાયર બ્રિગેડના અધિકારીઓની મદદથી સળિયાનો વધારાનો ભાગ કાપવામાં આવ્યો, જેથી દર્દીને સીટી સ્કેન મશીનમાં લઈ જઈ શકાય. સીટી સ્કેન દ્વારા મગજ અને ચેતાઓને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યા બાદ દર્દીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં ખસેડવામાં આવ્યો. ન્યુરોસર્જરી, ઓપ્થેલ્મોલોજી અને ઓર્થોપેડિક વિભાગના 10 નિષ્ણાતોની પેનલે આ હાઈ-રિસ્ક સર્જરી કરી હતી.

ડૉ. મેહુલ મોદીએ વધુમાં જણાવ્યું કે, સર્જરીનો મુખ્ય હેતુ ખોપરી અને મગજમાંથી સળિયો કાઢવાનો હતો. ખોપરી ખોલવાની પ્રક્રિયાને ક્રેનિયોટોમી કહેવામાં આવે છે. જો સળિયો પહેલાં બહાર કાઢી નાખવામાં આવે તો ભારે રક્તસ્રાવ થઈ શકે છે, તેથી સળિયો કાપીને પહેલાં ક્રેનિયોટોમી કરવામાં આવી અને પછી સળિયો કાઢીને તુરંત જ રક્તસ્રાવને કાબૂમાં લેવામાં આવ્યો. આ સર્જરી ચાર કલાક સુધી ચાલી હતી. સર્જરી બાદ દર્દીને વેન્ટિલેટર પર આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે અને તેની હાલત હજુ ગંભીર છે.

ડૉ. મોદીએ કહ્યું કે, આ પ્રકારના કેસ દરરોજ જોવા મળતા નથી, પાંચ વર્ષે એકાદ કેસ આવો આવે છે. સળિયા ઘૂસવાથી મગજને ઈજા થાય છે અને સાથે સાથે હૃદયથી મગજ સુધી લોહી લઈ જતી ધમનીઓને પણ નુકસાન થાય છે, જે વધુ ગંભીર હોય છે. આ કેસમાં સર્જરી સફળ રહી છે અને દર્દી હાલ જીવિત છે અને શ્વાસ લઈ રહ્યો છે.

દર્દીના મોટાભાઈ પ્રવીણ ડામોરે જણાવ્યું કે, કિરણ ગામડેથી સુરત કપડાં ખરીદવા આવ્યો હતો અને તેઓ જ્યાં કામ કરે છે તે બાંધકામ સ્થળે મળવા આવ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ બપોરે આશરે 1 વાગે આ ઘટના બની હતી. અકસ્માત બાદ તેને તાત્કાલિક બારડોલીની સરદાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ત્યાંથી સાંજે વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરિવારમાં ત્રણ ભાઈ અને બે બહેન છે. કિરણે અભ્યાસ છોડ્યા બાદ ગામમાં કરિયાણાની દુકાને કામ કર્યું હતું. ડોક્ટરોએ જણાવ્યું છે કે સળિયો વાગવાના કારણે તેની આંખને નુકસાન થયું છે.