સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતી 30 વર્ષીય પલ્લવી મોરેએ સગાઈ થયાના દોઢ મહિનામાં જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતકની માતાએ આરોપ લગાવ્યો છે કે મંગેતર સિદ્ધેશ જગતાપના માનસિક ત્રાસને કારણે તેમની દીકરીએ જીવન ટૂંકાવ્યું છે.
પલ્લવીએ આપઘાત પહેલાં લખેલી ચિઠ્ઠીમાં માતા-પિતાની માફી માંગી છે અને લખ્યું છે કે તેઓ પોતાના કારણે ઘણા દુઃખી થયા છે. મંગેતરને સંબોધીને લખ્યું છે કે, 'તમને મારી કદર ન ક્યારે હતી અને ન ક્યારે રહેશે. તમે મને ખૂબ દુઃખી કરી છે, હવે તમારું મન શાંત થઈ જશે.' તેમણે વધુમાં જણાવ્યું છે કે અંતિમવિધિ સમયે તેમને તેમના ઘરના જ કપડાં પહેરાવવા અને સિદ્ધેશના ઘરની એક રૂપિયાની પણ વસ્તુ લગાડવી નહીં, તેમજ દીકરીની જેમ સજાવવા.
પલ્લવીના માતા નીતા મોરેએ જણાવ્યું કે સિદ્ધેશ પલ્લવી પર સતત વહેમ રાખીને માનસિક ત્રાસ આપતો હતો. એક વર્ષ પહેલાં તેમણે પલ્લવીની નોકરી પણ છોડાવી દીધી હતી. તેમને અન્ય કોઈ સાથે વાત કરવા દેવામાં આવતી નહોતી અને સવારથી સાંજ તથા આખી રાત વીડિયો કૉલ ચાલુ રાખવા દબાણ કરવામાં આવતું હતું. આ ઉપરાંત યુવકના પરિવાર દ્વારા ધામધૂમથી લગ્ન કરવા અને દહેજ પેટે 80 તોલા સોનાની માંગણી પણ કરવામાં આવી રહી હતી.
માતાએ રડતાં જણાવ્યું કે છેલ્લા બે મહિનાથી સિદ્ધેશ તેમની દીકરીને અસહ્ય ત્રાસ આપતો હતો. પરમ દિવસે ઝઘડો એટલો વધ્યો કે તેમણે સગાઈ તોડી નાખી, પલ્લવીનો ફોન અને સિમકાર્ડ તોડી નાખ્યા અને મોઢા પર કહી દીધું કે 'હું લગ્ન નહીં કરું, તારે મરવું હોય તો મરી જા.' આ ઘટનાને કારણે પલ્લવીએ આપઘાત કર્યો હોવાનો પરિવારનો આરોપ છે.
પરિવારે સિદ્ધેશ, તેમના માતા-પિતા અને બહેન સહિત સમગ્ર પરિવાર સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ ડીંડોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પરિવારના આક્ષેપો, આપઘાતની ચિઠ્ઠી અને કૉલ રેકોર્ડ્સના આધારે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.