સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં 22 ઓક્ટોબરે અનેક વિસ્તારોમાં પાણીકાપ, MMTH કામગીરી દરમિયાન લીકેજ સામે સમારકામ

સુરતમાં 22 ઓક્ટોબરે અનેક વિસ્તારોમાં પાણીકાપ, MMTH કામગીરી દરમિયાન લીકેજ સામે સમારકામ

સુરત શહેરમાં રિંગ રોડ પર ફાલસાવાડી પોલીસ સ્ટેશન સામે મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH)ની કામગીરી દરમિયાન 900 મી.મી. વ્યાસની મુખ્ય પાણીની લાઇનમાં લીકેજ થયું છે. આ લાઇનનું સમારકામ કરવાનું નક્કી કરાયું છે. જેના કારણે 22 ઓક્ટોબરે શહેરના સેન્ટ્રલ, વરાછા, ઉધના, અઠવા અને કતારગામ ઝોનના અનેક વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.

પાલિકાના જણાવ્યા અનુસાર, સમારકામની કામગીરી 21 ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યાથી શરૂ થશે અને 23 ઓક્ટોબરની સવારે 5 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન 22મીએ નાગરિકોને પાણીકાપનો સામનો કરવો પડશે. 23મીએ પણ કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી અથવા નહિવત્ પ્રમાણમાં પાણી મળી શકે છે, કારણ કે કામગીરી પૂર્ણ થયા બાદ લાઇનમાં સામાન્ય દબાણ પુનઃસ્થાપિત થતાં સમય લાગે છે.

પાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને પાણીનો પૂરતો સંગ્રહ કરી લેવા અપીલ કરી છે.

કયા વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે?

સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગમાં સવારે 5 થી 8 વાગ્યા સુધી પાણી બંધ રહેશે. આ વિસ્તારોમાં બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા, રુદરપુરા અને સોની ફળિયાનો સમાવેશ થાય છે. રેલવે સ્ટેશન અને સુમુલ ડેરી વિસ્તારના પાણીપુરવઠાને પણ અસર થશે.

સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિભાગમાં સાંજે 6:25 થી રાત્રે 11 વાગ્યા સુધી પાણી બંધ રહેશે. દિલ્હીગેટથી ચોકબજાર અને રાજમાર્ગથી ઉત્તર તરફના મહીધરપુરા, રામપુરા, હરિપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર અને નાણાવટ વિસ્તારમાં પાણીની સમસ્યા રહેશે.

વરાછા ઝોનના પૂર્વ ઝોન-એના કેટલાક વિસ્તારોમાં બપોરે 12:30 થી 3:45 વાગ્યા સુધી પાણી બંધ રહેશે. આમાં રેલવે સ્ટેશન, સુમુલ ડેરી, અશ્વિનીકુમાર, ફૂલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા, સીતારામ સોસાયટી અને આઈમાતા રોડનો સમાવેશ થાય છે.

ઉધના ઝોનમાં ઉધના ગામતળ, શાંતિનગર, મીરાનગર, ઉદ્યોગનગરથી મઢીની ખમણી સુધીનો વિસ્તાર, ખટોદરા ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર, સિવિલ હોસ્પિટલ, નવજીવન ઇન્ડસ્ટ્રિયલ વિસ્તાર, શાસ્ત્રીનગર, ગાંધીનગર, ચંદનવન, ગાયત્રીનગર-1 અને 2 તથા લક્ષ્મીનગર પોસ્ટલ કોલોનીમાં પાણીપુરવઠો ખોરવાશે.

અઠવા ઝોનમાં અઠવાગેટ, લાલબંગલો, ઘોડદોડ રોડ અને ભટાર રોડની સોસાયટીઓમાં સવારે 5 થી 8 વાગ્યા સુધી પાણી નહીં મળે. જ્યારે સિટી લાઇટ રોડ, પીપલોદ ગામ, ઉમરા ગામતળ, એસવીએનઆઈટી અને વીએનએચયુ કેમ્પસમાં સવારે 8:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી પાણીપુરવઠાને અસર થશે.

કતારગામ ઝોનમાં કતારગામ દરવાજા, સુમુલ ડેરી રોડ, અલકાપુરી, ગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ અને આસપાસના વિસ્તારોમાં સવારે 8:30 થી બપોરે 12:30 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રહેશે.

આમ, મુખ્ય પાણીની લાઇનના સમારકામને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ સમયે પાણીકાપ રહેશે. નાગરિકોએ પાણીનો સંગ્રહ કરી રાખવો જરૂરી છે.