સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં અનોખી આસ્થા: 2000 કિલો શાકભાજીનું 10 ફૂટનું શિવલિંગ, દર્શન બાદ ગાયોને અર્પણ

સુરતમાં અનોખી આસ્થા: 2000 કિલો શાકભાજીનું 10 ફૂટનું શિવલિંગ, દર્શન બાદ ગાયોને અર્પણ

સુરતના અડાજણ વિસ્તારમાં શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક આસ્થા અને જીવદયાનો અનોખો સંગમ જોવા મળ્યો. સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા આશરે 2000 કિલો શાકભાજી અને લીલા ઘાસમાંથી 10 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. આ શિવલિંગ પાલ-ઉમરા બ્રિજ નજીક આવેલા ઓમ તાપ્તિ કુબેરેશ્વર મહાદેવ ખાતે 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન ભક્તોના દર્શન માટે રાખવામાં આવ્યું હતું.

ટ્રસ્ટના સેવકોએ છ કલાકની મહેનત બાદ દૂધી, ગાજર, રીંગણ, ટામેટા, બટાકા, કોબીજ અને કાકડી સહિતની વિવિધ શાકભાજીને ગોઠવીને આ શિવલિંગને આકાર આપ્યો હતો. 16 બાય 10 ફૂટના કદમાં તૈયાર કરાયેલું આ શિવલિંગ જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.

આ આયોજનની સૌથી નોંધપાત્ર વાત એ છે કે દર્શન પૂર્ણ થયા બાદ આ શાકભાજીનો નિકાલ કરવામાં આવ્યો નથી. તેના બદલે, તેને ગૌશાળામાં લઈ જઈ ગાયોને ભોજન તરીકે અર્પણ કરવામાં આવશે. આમ, ભક્તિ સાથે અન્નના સદુપયોગ અને અબોલ જીવોની સેવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

ટ્રસ્ટ દ્વારા આ દરમિયાન 5555 દિવ્ય રુદ્રાક્ષનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સ્વયંસેવક સંસ્થા દ્વારા કરવામાં આવેલી આ પહેલને સ્થાનિક ભક્તો તરફથી ખૂબ પ્રશંસા મળી છે.