સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી ભાજપના જ કોર્પોરેટરોએ વરાછા વિસ્તારમાં વિકાસના કામો ઓછા થતા હોવાનો અને અન્યાય થતો હોવાનો આરોપ લગાવ્યો હતો. સામાન્ય સભામાં આ મુદ્દો ચર્ચામાં આવતાં વિપક્ષને બદલે ભાજપના જ પ્રતિનિધિઓના સવાલો સામે આવ્યા છે.
વોર્ડ નંબર-4ના ભાજપના કોર્પોરેટર મહેશ કાકડીયા, અરવિંદ કાકડીયા, હંસા ગજેરા, સ્વાતિ પટેલ અને હેતલ પટેલે વરાછામાં રસ્તાઓ પર વધી રહેલા દબાણ અને વિકાસના કામોની ધીમી ગતિ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે કહ્યું કે વેસુ અને વીઆઈપી રોડ પર જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે, તે મુજબ વરાછા વિસ્તારમાં વિકાસ થતો નથી. વરાછામાં લાંબા સમયથી રસ્તા, બ્રિજ સહિતની સમસ્યાઓ ઉઠાવવામાં આવી રહી છે, છતાં તેનો યોગ્ય ઉકેલ આવતો ન હોવાની ટીકા પણ તેમણે કરી હતી.
ભાજપના કોર્પોરેટર ધર્મેશ ભાલાળાએ પાલિકામાં સ્ટાફની અછતનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે જણાવ્યું કે સ્ટાફની અછતને કારણે મિલકતોની આકરણી અને વેરા વસૂલાતની કામગીરી પર અસર પડી છે. તેમણે પોતાના ઘરની આકરણી પણ બાકી હોવાનું અને વેરાબીલ ન આવતું હોવાનું જણાવ્યું હતું. તાત્કાલિક કોન્ટ્રાક્ટ આધાર પર સ્ટાફની ભરતી કરવા અને શહેરની તમામ મિલકતોની આકરણી કરવાની માંગ પણ તેમણે કરી હતી.
બીજી તરફ, ભાજપના કોર્પોરેટર કાવ્યા કથીરિયાએ શહેરના રસ્તાઓ પરના દબાણનો મુદ્દો ઉઠાવ્યો હતો. રસ્તાઓ પરના દબાણને કારણે લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા દબાણ દૂર કરવા અને યોગ્ય કાર્યવાહી કરવાની તેમણે માંગ કરી હતી.
સભામાં સ્થાનિક પ્રશ્નોના ઉકેલ અને વિકાસના કામોને વેગ આપવા માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના કોર્પોરેટરોએ જ વિકાસ અને તંત્રની કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હોવાથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.