સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત: વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા ત્રણ આરોપીઓ ઝડપાયા

સુરત: વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનારા ત્રણ આરોપીઓ ઝડપાયા

રાજસ્થાનના ઉદયપુરથી સુરત આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર શનિવારે (19 ઓક્ટોબર) પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં ટ્રેનના કોચ સી-6 ની બારીઓના કાચ તૂટી ગયા હતા. જોકે, સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

મળતી માહિતી અનુસાર, 26904 નંબરની વંદે ભારત એક્સપ્રેસ ઉદયપુરથી સુરત તરફ આવી રહી હતી. જ્યારે ટ્રેન ઉત્તરાણ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચે પસાર થઈ રહી હતી, ત્યારે અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં કોચ સી-6 ની સીટ નંબર 40, 41, 42 અને 60, 61, 62 પાસેની બારીઓના કાચ તૂટ્યા હતા. ઘટનાને કારણે મુસાફરોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

ઘટનાની જાણ થતાં જ મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના કંટ્રોલ રૂમે સુરત રેલવે પોલીસ (આરપીએફ) પોસ્ટને તાત્કાલિક જાણ કરી હતી. રેલવે પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું કે તેમણે માત્ર મજા માટે આ કૃત્ય કર્યું હતું. રેલવે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.