સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત અને વડોદરાની બેંકોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસની ઝડપી કાર્યવાહી

સુરત અને વડોદરાની બેંકોને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસની ઝડપી કાર્યવાહી

સુરત અને વડોદરા શહેરમાં બેંકોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. સુરતની બેંક ઓફ બરોડા અને વડોદરાની બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓને આ ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી બંને સ્થળોએ તપાસ શરૂ કરી છે.

સુરતના ઘોડદોડ રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખાના સત્તાવાર ઈમેલ એકાઉન્ટ પર અજાણ્યા શખ્સે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ મોકલ્યો હતો. બેંક સંચાલકોએ તુરંત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પોલીસ કાફલો, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો દોડી ગઈ હતી. બેંકમાં હાજર તમામ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.

વડોદરામાં પણ રાવપુરા રોડ પર આવેલી બેંક ઓફ ઈન્ડિયાની શાખા અને સયાજીગંજ વિસ્તારમાં સૂરજ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બંને બેંકોના મેનેજરોએ પોલીસને જાણ કરતાં પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ સ્થળ પર પહોંચી સુરક્ષાનાં પગલાં લીધાં હતાં. બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકોને બહાર કાઢી પરિસરમાં અવરજવર બંધ કરાવવામાં આવી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ (BDS) અને ડોગ સ્કવોડની ટીમોએ બંને બેંકોના પરિસર, રૂમ, માળ અને આસપાસના વિસ્તારોમાં શંકાસ્પદ વસ્તુઓની ઝીણવટભરી તપાસ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ગયા 6 નવેમ્બરે ગુજરાત હાઈકોર્ટ અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. ત્યારબાદ હવે બેંકોને આ પ્રકારની ધમકી મળતાં સુરક્ષા તંત્ર સતર્ક થઈ ગયું છે. પોલીસે સાયબર ક્રાઈમની મદદથી ઈમેલ મોકલનાર અજાણ્યા શખ્સની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે અને ઈમેલનું IP એડ્રેસ ટ્રેસ કરી આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.