દિવાળી અને છઠ પૂજાના તહેવારો નિમિત્તે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા ઉત્સુક મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જવા માટે હજારો લોકો મોડી રાતથી જ સ્ટેશન પર ધામા નાખી રહ્યા છે. સુરતને 'મિની ભારત' કહેવામાં આવે છે, ત્યાંથી મોટી સંખ્યામાં લોકો પોતાના વતન જાય છે.
રેલવે વિભાગે મુસાફરોની સુવિધા માટે છેલ્લા 10 દિવસમાં 28 નિયમિત ટ્રેનો ઉપરાંત 33 સ્પેશિયલ ટ્રેનો ચલાવી છે. આ સમયગાળા દરમિયાન 1.85 લાખથી વધુ મુસાફરોએ સુરતથી વતન તરફ પ્રયાણ કર્યું છે.
મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આરપીએફ સ્ટાફ પણ તૈનાત છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન થાય. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં પણ ભીડ જળવાઈ રહેવાની શક્યતા છે, તેથી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની તૈયારી છે.