દિવાળી અને છઠપૂજાના તહેવારો નજીક આવતાં સુરતમાં રહેતા લાખો પરપ્રાંતિય શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળી પડ્યા છે. ઉત્તરપ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોનો સૌથી મોટો ધસારો ઉધના રેલવે સ્ટેશન પર જોવા મળી રહ્યો છે.
રેલવે તંત્રે મુસાફરોને તડકાથી રક્ષણ મળે તે માટે 15,000થી વધુ લોકો બેસી શકે તેવો વિશાળ હોલ્ડિંગ એરિયા બનાવ્યો છે. જોકે ભીડ એટલી બધી છે કે આ આખો હોલ ખીચોખીચ ભરાઈ ગયો છે. ગઈકાલ રાતથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં જ 15,000થી વધુ પ્રવાસીઓ પોતાના ગંતવ્ય તરફ રવાના થઈ ચૂક્યા છે.
હોલ્ડિંગ એરિયાને કારણે મુસાફરોને તડકાથી રાહત મળી છે, પણ ભીડ વધી જતાં બેસવાની જગ્યા ઓછી પડી રહી છે. ટ્રેન પકડવા માટે નિર્ધારિત સમય કરતાં 5થી 10 કલાક વહેલા સ્ટેશને પહોંચી જતા બાળકો અને વૃદ્ધો સહિત હજારો મુસાફરો સામાન સાથે કલાકો સુધી ઊભા રહીને ટ્રેનની રાહ જોવા મજબૂર બન્યા છે. કેટલાક મુસાફરોને 10 કલાકથી વધુ સમય બેસવાનો વારો આવ્યો છે.
ભીડ નિયંત્રિત કરવા રેલવે પ્રશાસને વિશેષ આયોજન કર્યું છે. ગઈકાલ રાતથી આજના દિવસ દરમિયાન કુલ 10 ટ્રેનો ચલાવવાનું આયોજન છે, જેમાં 3 નિયમિત અને 7 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સામેલ છે. આ 10માંથી 5 ટ્રેન યુપી-બિહાર તરફ મુસાફરોને લઈને રવાના થઈ ચૂકી છે. સ્ટેશન પરિસરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આરપીએફ અને સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
સત્તાવાર અંદાજ મુજબ, 1 ઓક્ટોબરથી અત્યાર સુધીમાં સુરત અને ઉધના સ્ટેશનેથી 4 લાખથી વધુ મુસાફરો પોતાના વતન જવા રવાના થઈ ચૂક્યા છે. દિવાળીના વાઘબારસ-અગિયારસથી લઈને છઠપૂજા સુધીના સમયગાળામાં વધુ 2.5થી 3 લાખ કામદારો સુરત છોડીને વતન પહોંચશે. પરિણામે આગામી એક સપ્તાહ સુધી ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરતના ધમધમતા ઔદ્યોગિક વિસ્તારો સુમસામ નજરે પડે તેવી શક્યતા છે.