દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો નજીક આવતાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા ઉત્સુક મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના મુસાફરો પરિવાર સાથે તહેવારો ઉજવવા માટે વતન તરફ રવાના થઈ રહ્યા છે.
મુસાફરોના ભારે ધસારાને કારણે રેલવે સ્ટેશનનો હોલ્ડિંગ એરિયા રાત્રિના સમયે જ ભરાઈ ગયો હતો. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, મોડી રાતથી સવારે આઠ વાગ્યા સુધીમાં 20 હજારથી વધુ મુસાફરો વતન જવા રવાના થયા છે.
મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે વિભાગે ઉધના સ્ટેશનથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફની કુલ 10 ટ્રેનો દોડાવવાનું આયોજન કર્યું છે, જેમાં દિવાળી સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ થાય છે.
મુસાફરોને સુવિધા મળે તે માટે સ્ટેશન પર આધુનિક વેઈટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. મુસાફરો વ્યવસ્થિત રીતે ટ્રેનમાં બેસી શકે તે માટે લાઈન સિસ્ટમ ઉભી કરાઈ છે. ઉપરાંત, મુસાફરો માટે 150 સ્પીકર્સ, પીવાના પાણીની સુવિધા અને 10 નવી ટિકિટ બારીઓ પણ શરૂ કરવામાં આવી છે.
મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે રેલવે પોલીસ (RPF), જીઆરપી (GRP) અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો સ્ટેશન પર તૈનાત કરવામાં આવ્યો છે.