સત્ય. સાહસ. સંકલ્પ.

દિવાળી-છઠ્ઠ પહેલાં સુરતના ઉધના સ્ટેશને ભીડ, 25 હજાર મુસાફરો વતન રવાના

દિવાળી-છઠ્ઠ પહેલાં સુરતના ઉધના સ્ટેશને ભીડ, 25 હજાર મુસાફરો વતન રવાના

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારો નજીક આવતાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા ઉત્સુક મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે શ્રમિકો અને મુસાફરોની સંખ્યા વધી ગઈ છે. રવિવારે રાત્રિથી જ સ્ટેશનના હોલ્ડિંગ એરિયામાં લાંબી લાઈનો લાગી હતી અને સવાર સુધીમાં 25 હજાર જેટલા મુસાફરો છ ટ્રેનો મારફતે સુરતથી રવાના થયા હતા.

અબુધાબીથી સુરત આવેલા મુહમ્મદ દિલશાદ આલમે જણાવ્યું કે તેઓ વેકેશનમાં ઘરે જવા માંગતા હતા, પરંતુ નિયમિત ટ્રેનોમાં કન્ફર્મ સીટ ન મળતાં સ્પેશિયલ ટ્રેન પકડવા આવ્યા હતા. સવારે 7 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા છતાં 8:30 વાગ્યાની પટના જતી ટ્રેન છૂટી ગઈ હતી. હવે 11 વાગ્યાની ટ્રેનમાં જગ્યા મળશે કે નહીં તેની ચિંતા છે. તેમણે કહ્યું કે બધા મુસાફરો એક જ જગ્યાએ ભેગા થતા મુશ્કેલી વધે છે, તેથી સુવ્યવસ્થિત આયોજન જરૂરી છે.

ઉત્તર પ્રદેશના જૌનપુરના વિનયસિંહે જણાવ્યું કે પ્લેટફોર્મ પર અગાઉ કરતાં વ્યવસ્થા સારી થઈ છે, પરંતુ ટ્રેનની અંદર ભારે ભીડ છે. એસી, રિઝર્વેશન અને જનરલ કોચ વચ્ચે કોઈ ફરક રહ્યો નથી, કારણ કે એસી કોચમાં પણ એક સીટ પર ત્રણથી ચાર વેઈટિંગ મુસાફરો બેઠા હોય છે. શૌચાલય પાસે પણ ભીડ રહે છે. તેમણે વધુમાં કહ્યું કે નાના બાળકો સાથે મુસાફરી કરવી મુશ્કેલ બની છે અને જમવા-પીવાની પણ તકલીફ પડે છે. તેમણે સરકાર અને રેલવેને તાપ્તી ગંગા એક્સપ્રેસ જેવી એક-બે વધારાની દૈનિક ટ્રેન શરૂ કરવા વિનંતી કરી છે.

પશ્ચિમ રેલવેના DRM પંકજસિંહે જણાવ્યું કે ભારે ધસારાને પહોંચી વળવા માટે છેલ્લા ચાર મહિનામાં દેશનું સૌથી મોટું પેસેન્જર સુવિધા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. અગાઉની જગ્યા સાથે મળીને હવે 10,000 ચોરસ મીટરના વિસ્તારમાં 15થી 20 હજાર મુસાફરો રોકાઈ શકે છે. અહીં એરપોર્ટ જેવી સુવિધાઓમાં 40 મોટા પંખા, 200 લાઇટ્સ, 150 સ્પીકર્સ, પીવાનું પાણી અને 10 નવી ટિકિટ બારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્વચ્છતા માટે પુરુષો માટે 50 અને મહિલાઓ માટે 30 શૌચાલયો બનાવવામાં આવ્યા છે. પ્લેટફોર્મ નંબર 6ને હાઈ-લેવલ પ્લેટફોર્મમાં ફેરવીને નવું સરફેસિંગ અને છત કરવામાં આવી છે, જેથી મુસાફરોને ચઢવા-ઉતરવામાં તકલીફ ન પડે.

શનિવારે રાત્રિથી દર બે કલાકે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી. રાત્રે 11:30 વાગ્યે હસનપુર માટે, 1:30 વાગ્યે મધુબની માટે, વહેલી સવારે 3:30 અને 5:30 વાગ્યે જયનગર તરફ ટ્રેનો રવાના થઈ હતી. સવારે 8:30 વાગ્યે અંત્યોદય એક્સપ્રેસ જયનગર માટે અને 10:20 વાગ્યે તાપ્તી ગંગા એક્સપ્રેસ રવાના થઈ હતી. આ ટ્રેનો દ્વારા સવાર સુધીમાં 25 હજાર મુસાફરોને વતન મોકલવામાં આવ્યા હતા.