દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવતાં સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ તરફ જતી ટ્રેનોમાં વતન જવા માટે મોટી સંખ્યામાં પરપ્રાંતિય શ્રમિકો રવાના થઈ રહ્યા છે. તહેવારોની સાથે લગ્નની સિઝન પણ શરૂ થતાં વતન જતા મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે.
મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે વધારાની 6 ટ્રેનો દોડાવી છે. જોકે, આ વ્યવસ્થા છતાં સ્ટેશન પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
તહેવારો દરમિયાન વતન જવા નીકળેલા મુસાફરોને રેલવેની વ્યવસ્થા અંગે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક મુસાફરોએ રેલવે વિભાગની વ્યવસ્થાની પ્રશંસા કરી છે, જ્યારે કેટલાકે ટિકિટ બુકિંગમાં પડતી મુશ્કેલી અંગે નારાજગી વ્યક્ત કરી છે. મુસાફરોના જણાવ્યા અનુસાર, ટિકિટ બુકિંગ શરૂ થતાંની સાથે જ ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટો ઝડપથી ભરાઈ જાય છે, જેના કારણે સમયસર રિઝર્વેશન કરાવવામાં મુશ્કેલી પડે છે.
હાલમાં મુસાફરો બે મહિના અગાઉથી ટ્રેનની ટિકિટ બુક કરાવી શકે છે. તેમ છતાં, બુકિંગ શરૂ થતાં જ ટિકિટો ઉપલબ્ધ ન રહેતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે અનેક મુસાફરોને વતન જવા માટે રિઝર્વેશન મેળવવામાં મુશ્કેલીનો સામો કરવો પડી રહ્યો છે.
દિવાળી અને છઠ પૂજાના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સંખ્યામાં હજુ વધારો થવાની શક્યતા છે. ત્યારે વધારાની ટ્રેનો ઉપરાંત ટિકિટ બુકિંગની વ્યવસ્થા વધુ મજબૂત બને તેવી મુસાફરોની અપેક્ષા છે.