સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દેશનું સૌથી મોટું પેસેન્જર હોલ્ડિંગ એરિયા, એરપોર્ટ જેવી સુવિધાઓ

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દેશનું સૌથી મોટું પેસેન્જર હોલ્ડિંગ એરિયા, એરપોર્ટ જેવી સુવિધાઓ

સુરત: દિવાળી અને છઠ પૂજાના તહેવારો નજીક આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સુવિધા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર દેશનું સૌથી મોટું પેસેન્જર હોલ્ડિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યું છે. આ એરિયા એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ છે.

આ હોલ્ડિંગ એરિયામાં એક જ સમયે 10,000થી 15,000 મુસાફરો રોકાઈ શકે છે. તેનાથી તહેવારો દરમિયાન પ્લેટફોર્મ અને સ્ટેશનના મુખ્ય દ્વાર પર ભીડ ઘટશે.

મુસાફરોને તાજી હવા મળે તે માટે જમ્બો એર સર્ક્યુલેશન ફેન્સ, પીવાના પાણીની સુવિધા અને સિનિયર સિટિઝન માટે બેસવાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ટિકિટ માટે લાંબી લાઇન ન લાગે તે માટે પરિસરમાં 10 વધારાની ટિકિટ વિન્ડો ખોલવામાં આવી છે.

ટ્રેનની સ્થિતિ અને સમયપત્રક જાણવા માટે મોટા ડિસ્પ્લે બોર્ડ, હેલ્પડેસ્ક અને અનાઉન્સમેન્ટ સિસ્ટમ કાર્યરત છે. મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, સિક્યોરિટી ચેકપોઇન્ટ અને રેલવે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વધુ ભીડને પહોંચી વળવા 9 વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે. અત્યાર સુધીમાં દોઢ લાખથી વધુ મુસાફરો વતન પરત ફર્યા છે. આ વ્યવસ્થાથી મુસાફરો અને તંત્રને ભીડ નિયંત્રણમાં મદદ મળશે.