સત્ય. સાહસ. સંકલ્પ.

સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનને મંજૂરી, 4 ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ

સુરત-ઉદયપુર વંદે ભારત ટ્રેનને મંજૂરી, 4 ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ

ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ સંપર્ક મજબૂત કરવા માટે રેલવે બોર્ડે સુરત અને ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને મંજૂરી આપી છે. આ ટ્રેન 2 ઓક્ટોબર, 2026ના રોજ સુરત રેલવે સ્ટેશનથી ખાસ પ્રવાસ (ટ્રેન નંબર 09103) સાથે ઉદ્ઘાટન થશે. ત્યાર બાદ 4 ઓક્ટોબર, 2026થી મુસાફરો માટે નિયમિત સેવા ટ્રેન નંબર 26903/26904 તરીકે શરૂ થશે.

આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે અને દર મંગળવારે મેન્ટેનન્સના કારણે બંધ રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા સંચાલિત આ સેમી-હાઇ-સ્પીડ ટ્રેન નવરાત્રિના સમયમાં શરૂ થવા જઈ રહી છે.

સુરતથી ઉદયપુર જતી ટ્રેન (26903) સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન (26904) બપોરે 3:35 વાગ્યે ઉદયપુરથી રવાના થઈને રાત્રે 11:00 વાગ્યે સુરત પહોંચશે. આ ટ્રેન 690 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાક 30 મિનિટમાં પૂરું કરશે.

આ ટ્રેન બંને દિશામાં સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મણિનગર, અસરવા, હિંમતનગર, શામળાજી રોડ, ડુંગરપુર, જાવર અને ઉદયપુર સિટી સ્ટેશનો પર રોકાશે. અગાઉ ઉદયપુર સિટી-અસરવા (અમદાવાદ) વંદે ભારત ટ્રેન ચાલતી હતી, જેને હવે સુરત સુધી લંબાવવામાં આવી છે. તેનાથી ડાયમંડ સિટી સુરત અને લેક સિટી ઉદયપુર વચ્ચે સીધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

આ નવી ટ્રેનથી વેપારીઓ, ટેક્સટાઈલ વ્યાપારીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે.