સત્ય. સાહસ. સંકલ્પ.

સુરતમાં રિલાયન્સના 27 લાખના ટ્રક ચોરીના કેસમાં ડ્રાઇવરની હત્યા: સચિન GIDCમાંથી લાશ મળી

સુરતમાં રિલાયન્સના 27 લાખના ટ્રક ચોરીના કેસમાં ડ્રાઇવરની હત્યા: સચિન GIDCમાંથી લાશ મળી

સુરતના હજીરા વિસ્તારમાંથી રિલાયન્સ કંપનીનો 27 લાખ રૂપિયા કિંમતનો માલ લઈને નીકળેલો ટ્રક ચોરાઈ જવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ટ્રક તો બિનવારસી હાલતમાં મળી આવ્યો, પરંતુ તેના ડ્રાઇવરની હત્યા કરી લાશ ગટરમાં ફેંકી દેવામાં આવી હતી.

ઘટનાની શરૂઆત 20 ઓક્ટોબર, 2014ના રોજ થઈ હતી. ધનતેરસના દિવસે રિલાયન્સ કંપનીના પરિસરમાંથી AP-11-X-5907 નંબરની ટ્રક લોડ થઈને દમણ જવા નીકળી હતી. ટ્રકમાં પોલીપ્રોપીલીન એટલે કે પ્લાસ્ટિકના દાણાની 640 ગુણીઓ (આશરે 16 ટન માલ) ભરેલી હતી, જેની બજાર કિંમત 19.93 લાખ રૂપિયા હતી. આ ટ્રક 28 વર્ષીય ડ્રાઇવર અનવરખાન નિઝામુદ્દીનખાન ચલાવી રહ્યો હતો, જે PRC લોજિસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરતો હતો.

બે દિવસ બાદ વાપીની મેઇન ઑફિસમાંથી હજીરાની ટ્રાન્સપોર્ટ ઑફિસમાં ફોન આવ્યો કે દમણની ગાડી હજુ પહોંચી નથી. હજીરાના ઑફિસ ઇન્ચાર્જ પુરણસિંહે દિવાળીની રજાને કારણે મોડું થયું હશે તેમ માનીને ચિંતા ન કરવા જણાવ્યું. પરંતુ જ્યારે 21 ઓક્ટોબરે ટ્રકના GPS લોકેશનની તપાસ કરવામાં આવી ત્યારે ટ્રક ગણદેવીના બિલીમોરા-નવસારી રોડ પર હોવાનું જણાયું. સ્થળ પર પહોંચતા ટ્રક કે ડ્રાઇવર કોઈ જ મળ્યું નહીં.

પુરણસિંહે હજીરા પોલીસ સ્ટેશનમાં અનવરખાન સામે 20 લાખના માલ અને 7 લાખ રૂપિયાના ટ્રક એમ કુલ 27 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. ચૌધરીએ તપાસનો દોર પોતાના હાથમાં લઈને મોબાઇલ લોકેશન, GPS ટ્રેકિંગ અને હાઇવે CCTV ચકાસવાનું શરૂ કર્યું.

29 ઓક્ટોબર, 2014ના રોજ પોલીસને સચિન GIDCમાં કલર ટેક્સ કંપનીની સામેના સર્વિસ રોડ પરથી AP-11-X-5907 નંબરનો ટ્રક બિનવારસી હાલતમાં મળી આવ્યો. ટ્રકની કેબિન ખોલતાં જ પોલીસના હોશ ઊડી ગયા, કારણ કે સીટ કવર અને મેટિંગ પર લોહીના સૂકાઇ ગયેલા ધાબાં હતા.

30 ઓક્ટોબરે સચિન-મગદલ્લા રોડ પર આવેલા ઓવરબ્રિજ નીચેથી ભયંકર દુર્ગંધ આવવાની માહિતી મળી. સચિન પોલીસ ત્યાં પહોંચી તો ગટરમાંથી એક અજાણ્યા યુવાનની અડધી કોહવાયેલી લાશ મળી આવી. કપડાં અને શરીરની નિશાનીઓ પરથી ઓળખ થઈ કે આ લાશ ટ્રક ડ્રાઇવર અનવરખાનની જ હતી. સચિન પોલીસે હજીરા પોલીસને આ અંગે જાણ કરી.